ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
ગુજરાત રાજ્ય માઘ્યમિક શિક્ષક સંઘની જૂનાગઢ ખાતે કારોબારી સભા મળી હતી. જેમાં આગામી અધિવેશન, પેન્શન સહિતના પ્રશ્ર્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સભામાં મહિલા વિંગ, રાજ્યના પ્રમુખની પણ નિમણુંક કરાઇ હતી. ગુજરાત રાજ્ય માઘ્યમિક શિક્ષક સંઘની જૂનાગઢ ખાતે મળેલી કારોબારી સભામાં તમામ જિલ્લાના પ્રમુખ અને મંત્રી તેમજ પૂર્વ હોદેદારો હાજર રહ્યા હતા. આ કારોબારી સભામાં સંઘ દ્વારા વર્ષ 2023-24ના હિસાબો રજુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્ય અધિવેશન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પેનશનના મુદ્દે પણ ઉપસ્થિત સભ્યોને જાણકારી આપવામાં આવી હતી.
આ સભામાં ખાલી પડેલી મહિલા વિંગ રાજ્યના પ્રમુખની જગ્યા પર આણંદના કલ્પનાબેન પટેલની નિમણુંક કરવામાં આવી હતી. આ કારોબારી સભાને સફળ બનાવવા જૂનાગઢ જિલ્લા માઘ્યમિક શિક્ષક સંઘના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.