કોંગ્રેસના કકળાટ બાદ રિટર્નિંગ ઓફિસરે ક્લીન ચીટ આપી તમામ આક્ષેપો ફગાવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
મંગળવારે વિધાનસભા ચુંટણીના ભરાયેલા ઉમેદવારીપત્રની ચકાસણી દરમિયાન ટંકારા પડધરી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયાના ઉમેદવારી ફોર્મમાં ક્ષતિ હોવા મુદ્દે રિટર્નિંગ ઓફિસર સમક્ષ હોબાળો મચાવી કાગારોળ કરતા બે’ક કલાક સુધી મામલતદાર કચેરીમા ગરમાવો આવ્યો હતો અને બેઠકનું રાજકારણ વિધીવત પ્રચાર પૂર્વે ભારે ગરમાયુ હતુ જોકે અંતે ચુંટણી અધિકારીએ ફોર્મ મુદ્દે ક્લિન ચીટ આપી તમામ આક્ષેપો ફગાવ્યા હતા. વિધાનસભા ચુંટણી અંતર્ગત ઉમેદવારોએ રજૂ કરેલા ઉમેદવારીપત્રની ચકાસણી દરમિયાન ટંકારા પડધરી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય લલિત કગથરાએ હરીફ ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાના રજૂ થયેલા નામાંકનપત્રમાં નિયત નમુનામાં છપાયેલી કોલમમાં ખાલી જગ્યા છોડવાની નથી ત્યાં લાગુ પડતુ નથી.
- Advertisement -
એમ લખવાના બદલે આડી લીટી કરેલી હોવાથી એ મુદ્દે વાંધો લીધા બાદ કચેરીમાં ચુંટણી અધિકારી સામે ગોકીરો કરતા ઘડીભર વાતાવરણ ગરમાયું હતું અને આ બબાલ ઘડીભરમાં વંટોળ બની જતાં બંને પક્ષના કાર્યકરો અને અગ્રણીઓનો મામલતદાર કચેરીમાં જમાવડો થયો હતો. એક તબક્કે કોંગ્રેસ ઉમેદવાર કગથરાએ કોર્ટનું શરણુ લેવાની કાગારોળથી ચૂંટણી અધિકારી અને ફરજ પર નિયુક્ત સ્ટાફને પસીનો છૂટી ગયો હતો. આ મુદ્દે ચુંટણી પ્રચાર પૂર્વે જ ટંકારા બેઠક પર રાજકારણ ગરમાયુ હતુ જો કે બે’ક કલાકના રાજકીય ડ્રામાને અંતે ચુંટણી અધિકારી ડી.સી.પરમારે નિયમો ટાંકી લેખિત પત્રથી ભાજપના ઉમેદવારનું ફોર્મ લાયક હોવાની જાહેરાત કરતા મામલો થાળે પડયો હતો.