ગટરના પાણીના ભરાવાથી રોગચાળાનો ભય, લોકો ત્રાહિમામ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ શહેરના વોર્ડ નંબર-11માં આવેલા જયશ્રી ફાટક પાસેના દુર્વેશનગર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી વોકળામાં ગટરના ગંદા પાણી ભરાયેલા રહેવાના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાણીના સતત ભરાવાને કારણે ગંદકી ખદબદી રહી છે, જેની અસહ્ય દુર્ગંધથી આસપાસના રહેવાસીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.
- Advertisement -
સ્થાનિક લોકોના કહેવા મુજબ, અગાઉ આ વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન નહોતો. જોકે, નરસિંહ મહેતા સરોવર પાસે પાણી રોકવામાં આવતું હોવાથી આ વર્ષ દરમિયાન જ્યારેથી તળાવમાં પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે, ત્યારથી આ ગંદા પાણી વોકળામાં એકાદ દોઢ ફૂટ સુધી કાયમી ધોરણે ભરાયેલા રહે છે. ગંદા પાણીના ભરાવાના કારણે સ્થાનિકોની સમસ્યાઓ અનેક ગણી વધી ગઈ છે. ગંદા પાણીના કારણે વિસ્તારના બોર-કુવાના પાણી પણ દૂષિત થવા લાગ્યા છે. આ પાણી નાહવા કે પીવાલાયક ન રહેતા નાછૂટકે લોકોને બહારથી પૈસા ખર્ચીને પીવા માટે પાણી મંગાવવું પડી રહ્યું છે. ભરાયેલા ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધ્યો છે. ઘરોમાં સતત બીમારી રહે છે, જે હાલની સ્થિતિમાં રોગચાળાને નોતરું આપી રહી છે. ભરાયેલા પાણીમાં સાપ અને વીંછી જેવા જીવજંતુઓ પણ જોવા મળી રહ્યા છે, જે અવારનવાર નીકળીને ઘર સુધી આવી પહોંચે છે. આટલી ખરાબ દશા બાબતે અનેક વખત મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરી છે, પરંતુ તેમને માત્ર તપાસ ચાલુ છે તેવા ગોળમટોળ જવાબ આપી દેવામાં આવે છે અને ત્યાર પછી કોઈ પણ અધિકારી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ફરકતું પણ નથી. આ ગંદા પાણી તળાવ સાઇડથી લોઢિયા વાડી સુધી લાંબા સમયથી ભરાયેલા છે, જેમાં કચરો અને ગંદકી ખદબદી રહી છે. જો રોગચાળો ફાટી નીકળશે તો તેની જવાબદારી કોની રહેશે?



