રાજ્ય સરકાર દ્વારા ગામને સ્વચ્છ રાખવા અનોખો પ્રયાસ
ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ઇ-રીક્ષા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. દિપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂ કરાયો હતો. આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનુ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. અને તાલુકા પંચાયતના 15 મા નાણાંપંચ યોજના હેઠળ ગામડાઓમા સફાઇ અભિયાન અંતર્ગત ધન કચરાના નિકાલના સાધનો માટે રાજુલા તાલુકાના 11 ગામડાઓમા ઇ-રીક્ષાની ફાળવણી કરવામા આવી હતી. અને રૂ.25.92 લાખના ખર્ચે સ્વચ્છતા માટે 11 ગામોને ઇ-રીક્ષા અને 7 લાખના ખર્ચે કોમ્યુટર સહિતના સંસાધનોનું ધારાસભ્યએ લોકાર્પણ કર્યું હતું. ખાસ કરીને અમરેલી જીલ્લામાં પ્રથમ વખત રાજુલામાં રાજ્ય સરકાર દ્વારા આવી સુવિધા પ્રજા સુધી પહોંચાડવાનુ સદભાગ્ય પ્રાપ્ત થયું હતું.
રાજ્ય સરકારે ગામડાઓમા સ્વરછતા જળવાઇ તે માટે ગામડાઓ સુધી હવે ઇ-રીક્ષાઓ પહોંચાડી છે. હવે ઇ-રીક્ષાઓ ગામડે-ગામડે કચરો ઉઠાવશે. અને ગામને સ્વચ્છ રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા અનોખો પ્રયાસ કરવામા આવ્યો છે. આ સુવિધાઓ 11 જેટલા ગામડામાં મળી છે. આ ઇ-રીક્ષાઓ ધારાસભ્યના વરદહસ્તે અર્પણ કરાઇ હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય, મામલતદાર એ.કે. શ્રીમાળી, તાલુકા વિકાસ અધિકારી હિતેશ પરમાર, તાલુકા પ્રમુખ ધીરજભાઇ પુરોહિત સહિત સદસ્યો, વિવિધ ગામના સરપંચો, આગેવાનો-અગ્રણીઓ સહિત અધિકારીઓ-પદાધિકારીઓ હાજર રહ્યાં હતાં.