વર્ષ 2022માં 6682 કેસ નોંધાયા અને 7 દર્દીના મોત
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના વાયરસના ઉપદ્રવ વખતે દબાઈ ગયેલા ડેંગ્યુ વાયરસે હવે મોં ફાડયું છે. જીવલેણ નિવડતા ડેંગ્યુની સાથે શરીરમાં દુખાવો સર્જતા ચિકનગુનિયાના કેસોમાં પણ ફરી ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. સરકારી ચોપડે કેસોની ઓછી નોંધની શક્યતા વચ્ચે પણ ગુજરાતમાં ગત વર્ષમાં ચિકનગુનિયાના 20,855 અને ડેંગ્યુના 6682 કેસો નોંધાયા છે. તો દેશમાં ડેંગ્યુના કેસૌ પ્રથમવાર 2 લાખને પાર થઈને ઈ.2022માં 2,33,251 નોંધાયા હતા અને ચાલું વર્ષે હાલ ચોમાસાની સીઝનમાં ગુજરાત સહિત દેશભરમાં કેસો વધી રહ્યા છે.
- Advertisement -
ડેંગ્યુના રોગચાળા અંગે આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, વર્ષ 1996થી ડેંગ્યુના કેસો દેશમાં નોંધાય છે. તે વર્ષે દેશના 7 રાજ્યોમાં કેસો જોવા મળ્યા હતા. વર્ષ 2020માં સમગ્ર દેશમાં માત્ર 650 પોઝીટીવ કેસ નોંધાયા હતા અને ગત વર્ષ 2022માં 27 વર્ષમાં સૌથી વધારે 2.33 લાખથી વધુ કેસો નોંધાયા છે. 7 રાજ્યોથી પ્રસરીને ડેંગ્યુ હવે 35 રાજ્યો અને પ્રદેશોમાં પ્રવેશી ચૂક્યો છે.
ડેંગ્યુ અને ચિકનગુનિયા ઉપરાંત ઝીકા વાયરસ, યલો ફીવર વગેરે રોગચાળો પણ એડીસ પ્રકારના મચ્છરો ફેલાવે છે. જે ખાસ કરીને દિવસના સમયે જ કરડતા હોય છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આ મચ્છરોને નાથવા મૂશ્કેલ કાર્ય છે, કારણ કે આ મચ્છર ડેંગ્યુ ફેલાવે તેવું ચેપગ્રસ્ત થયા પછી તે ઇંડા મુકે અને તેમાંથી મચ્છરો થાય તે જન્મતાવેંત ડેંગ્યુ, ચિકનગુનિયા વગેરે ફેલાવવા સક્ષમ હોય છે.
મુખ્યત્વે ઘરો,ઓફિસોમાં બંધિયાર, છીછરાં પાણીમાં પેદા થતાં એડીસ મચ્છરોથી ફેલાતા ડેંગ્યુમાં અચાનક તાવ આવવો, પ્લેટલેટ્સ ઘટી જવા, આંખના ડોળા પાછળ દુખાવો, ઉબકાં, ઉલ્ટી, માથું દુખવું ગ્રંથિઓમાં સોજો વગેરે તેના લક્ષણો હોય છે અને જો ડેંગ્યુ હેમરેજિકમાં ફેરવાય તો જીવલેણ પણ નિવડી શકે છે. તેનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે-દિવસે મચ્છરો કરડે નહીં તેનું ધ્યાન રાખવું.