વસઈ ગામ નજીક દ્વારકા એરપોર્ટ નવા પર્યટન ક્ષિતિજો ખોલવા માટે તૈયાર, ભારતના દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે સુધારેલી સુલભતા પ્રદાન કરશે
પશ્ચિમી છેવાડામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાએ ચાર ધામ પૈકીનું એક ધામ તથા સપ્તપુરી પૈકીની પુરી હોય, દર વર્ષે અહીં લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આથી યાત્રાધામ દ્વારકાને હવાઈ માર્ગે જોડવા એરપોર્ટ અથવા તો એરસ્ટ્રીપ મળવાની વાતો લાંબા સમયથી સાંભળવા મળે છે.
- Advertisement -
આ વચ્ચે આગામી સમયમાં દ્વારકા નજીકના વસઈ ગામની જમીન એરપોર્ટ માટે નક્કી કરી લીધી હોવાનું ગાંધીનગરસ્થિત અધિકારીઓ દ્વારા જાણવા મળી રહ્યું છે. આ બાબતે એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે દ્વારકા નજીક આવેલા વસઈ ગામની જમીન દ્વારકા એરપોર્ટ માટે લગભગ નક્કી થઈ ચૂકી છે. જેની ટૂંક સમયમાં વિધિવત રીતે જાહેરાત પણ કરવામાં આવશે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર અહીંની 300 હેકટર જેટલી જમીન એરપોર્ટ માટે અલગ રાખવામાં આવનાર છે. સરકારના કહેવાનુસાર આ પૈકી 45 ટકા જેટલી એટલે કે આશરે 130 હેકટર જેટલી જમીન હાલ સરકારના કબ્જામાં જ છે. જયારે બાકી રહેતી જમીન ખેડૂતો અને ખાનગી માલીકો પાસે હોય, જેને સંપાદિત કરવાની થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા આ અગાઉ પણ બે વખત દ્વારકા યાત્રાધામને એરપોર્ટની સુવિધા પ્રાપ્ત થાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ સિવિલ એવીએશન વિભાગના રીપોર્ટના કારણે જે-તે વખતે વાત આગળ વધી શકી ન હતી. હવે રીપોર્ટ સરકારની તરફેણમાં હોય, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વસઈ આસપાસની બાકીની જરૂરી જમીન સંપાદનની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવશે. આ જમીન સંપાદિત થયા બાદ એવીએશન વિભાગને તે જમીનની સોંપણી કરવામાં આવશે.