એક મુસાફરે ટ્રેન રોકવા માટે ચેન ખેંચી. ત્યારબાદ, મુસાફરોને કોચમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પંજાબમાં લુધિયાણાથી દિલ્હી જતી અમૃતસર-સહરસા ગરીબ રથ પેસેન્જર ટ્રેન (નંબર – 12204)ના બોગી નંબર 19માં સરહિંદ સ્ટેશન ક્રોસ થતાં જ આગ લાગવાની ઘટના બની. ધુમાડો નીકળતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો અને અફરાતફરી મચી ગઈ. ટ્રેનના કોચમાં સવાર વેપારીઓએ ચેઇન ખેંચીને ટ્રેનને રોકાવી. પાઇલટે તરત જ બધા મુસાફરોને ટ્રેનમાંથી ઉતારી દીધા અને રેલવે પોલીસને આગની જાણ કરી.
- Advertisement -
બચાવ કામગીરી સફળ: આગ પર કાબૂ, મુસાફરો સુરક્ષિત
ખબર મળતાની સાથે જ રેલવે અધિકારીઓ, કર્મચારીઓ, GRP, RPF, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સૌએ સાથે મળીને આગ પર કાબૂ મેળવ્યો. તમામ મુસાફરો સુરક્ષિત છે અને આગ નિયંત્રણમાં છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ જણાવાયું છે, તેમ છતાં રેલવે એન્જિનિયર્સની ટીમ ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે. ઉતાવળમાં ઉતરતી વખતે ઈજાગ્રસ્ત થયેલા કેટલાક મુસાફરોને પ્રાથમિક સારવાર અપાઈ છે; હાલમાં મુસાફરો ટ્રેક પર સામાન સાથે ઊભા છે.
ધુમાડાની સાથે આગની જ્વાળાઓ પણ ઊઠી
- Advertisement -
મુસાફરોએ પોલીસને જણાવ્યું કે સવારે લગભગ 7 વાગ્યે સરહિંદ સ્ટેશન ક્રોસ કર્યા બાદ કોચ નંબર-19માંથી ધુમાડો નીકળતા તેમણે ચેઇન ખેંચી અને નીચે ઉતરવાનું શરૂ કર્યું. પાઇલટે આવીને કોચ ખાલી કરાવ્યું. આ દરમિયાન ધુમાડા સાથે આગની જ્વાળાઓ દેખાતા લોકોમાં અફરાતફરી મચી અને તેઓ બાળકો સાથે સામાન લઈને નીચે ઉતરી ગયા. આ હોબાળો જોઈને આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા અને રાહત કાર્યમાં સહયોગ કર્યો.
રેલવેએ નિવેદન આપ્યું કે TTE અને પાઇલટે રેલવે કંટ્રોલ બોર્ડને જાણ કરતા બચાવ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. અકસ્માતમાં ગંભીર ઈજાના સમાચાર નથી, જોકે ઉતાવળે ઉતરતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર આપવામાં આવી. ટ્રેન નંબર-12204 અમૃતસર-સહરસાના એક ડબ્બામાં પંજાબના સરહિંદ સ્ટેશન ક્રોસ કર્યા બાદ આગ લાગી હતી. મુસાફરોને હવે બીજી ટ્રેનમાં મોકલવામાં આવશે.