લાઠી, દુધાળા અને જરખીયા ગામમાં થયેલી ઘરમાં ઘૂસીને ચોરી અને મોટરસાયકલ ચોરીના ગુનાઓમાં રૂ. 1,35,000નું મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી એલસીબી ટીમે પીઆઇ વીજય કોલાદરાના માર્ગદર્શન હેઠળ ત્રણ અલગ અલગ ગામોમાં થયેલી ચોરીઓની સઘન તપાસ કરી બે પરપ્રાંતીય ઇસમોને દિનેશ વિરસિંહ બોડેલીયા (મધ્યપ્રદેશ) અને રાજુ નરસિંહ પચાયા (મધ્યપ્રદેશ) પકડ્યા. વિગતો મુજબ ગત એક મહિનામાં રાત્રીના સમયે બંને ઇસમોએ લાઠીના અલી ઉદેપુર ગામમાં રહેણાંક મકાનમાં પ્રવેશ કરી તીજોરીમાંથી રૂ. 22,000 અને સોનાની વીંટી, ચાંદીનો કંદોરાની ચોરી કરી હતી. પછી દુધાળા ગામમાં પ્રવેશ કરીને રૂ. 75,000 તથા ઓળખકાર્ડ સહિત વસ્તુઓ ચોરી કરી અને જરખીયા ગામમાં ફળીયામાં આવેલી હીરો કંપનીની મોટરસાયકલ ચોરી કરી હતી.પકડાયેલા ઇસમોની પુછપરછમાં તેમણે લાઠી તાલુકાના વિવિધ ગામોમાં થયેલી ત્રણ ચોરીઓની કબુલાત આપી. તપાસ દરમિયાન રોકડા રૂ. 90,000, એક મોટરસાયકલ રૂ. 35,000 અને બે મોબાઈલ ફોન રૂ. 10,000 સહિત કુલ રૂ. 1,35,000નો મુદ્દામાલ જપ્ત થયો. એલસીબી ટીમને ઘરફોડ ચોરી અને વાહન ચોરી સહિતના ગુનાઓ ડીટેકટ કરવામાં સફળતા મળી છે. આ કામગીરીમાં પીઆઇ વી.એમ. કોલાદરા, પીએસઆઇ કે.ડી. હડીયા, પીએસઆઇ એમ.ડી. ગોહિલ તથા આર.એચ. રતન, કનાભાઈ સાંખટ, મનિષભાઈ જાની, તુષારભાઈ પાંચાણી, અશોકભાઈ કલસરીયા, મહેશભાઈ મુંધવા અને હરેશભાઈ કુવારદાસ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.