રથયાત્રાને લઇને અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે, ગુરુવારે સાંજે અમદાવાદ આવી પહોંચશે અમિતશાહ, 1જુલાઇએ વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ
- Advertisement -
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં હોવાથી રાજ્યમાં વિકાસના કાર્યોનુ લોકાર્પણ થઇ રહ્યું છે. એક બાદ એક દિગ્ગજો ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે સાંજે તેઓ અમદાવાદ આવી પહોંચશે. ત્યારબાદ 1 જુલાઇના રોજ કુલ આઠ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં અમિતશાહ ખાસ હાજરી આપશે. ત્યારે આવો જાણીએ 1 જુલાઇના રોજ અમિત શાહના કાર્યક્રમો વિશે.
જમાલપુર જગન્નાથ મંદિરે જશે અમિતશાહ
1લી જુલાઇએ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળવા જઇ રહી છે. ત્યારે દર વખતની જેમ આ વર્ષે પણ અમિતશાહ જગન્નાથજીના આશીર્વાદ લેવા આવશે.તેઓ વહેલી સવારે 4 વાગે મંગળા આરતી કરશે. મોટાભાગે આવા પ્રસંગે તેઓ સપરિવાર જોવા મળે છે. ત્યારે અમિતશાહના આગમનને તમામ તૈયારીઓ અને બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.
કલોલમાં હોસ્પિટલનું ખાતમુહૂર્ત
- Advertisement -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ મંગળાઆરતી કર્યા બાદ કલોલ જવા રવાના થશે. કલોલમાં સવારે 9 કલાકે સ્વામિનારાયણ વિશ્ન મંગળ ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટીના એડમિશન બ્લોકનું તેઓ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત 350 કરોડ ખર્ચે આકાર પામનારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમૂહુર્ત કરશે.
રૂપાલમાં સંબોધશે જનસભા
ત્યારબાદ અમિતશાહ રૂપાલ ગામે જશે. જ્યાં વરદિયીની માતા મંદિર ટ્રસ્ટ રૂપાલ દ્વારા અમિતશાહની રજત તૂલા કરવામાં આવશે. અહીં તેઓ જનસભા પણ સંબોધશે. ત્યારબાદ રૂપાલમાં વિવિધ વિકાસના કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે
ગાંધીનગરમાં વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણકરશે
ત્યારબાદ બપોરે 1 કલાકે ગાંધીનગરના વાસણ ગામે તળાવના નવીનીકરણ અને બ્યુટીફિકેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ બાદ બપોરે 2.30 કલાકે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ કરીને અમદાવાદ જવા રવાના થશે.
મોડાસરમાં વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ
બપોરે 3.30 કલાકે અમદાવાદના સાણંદ તાલુકાના નવાપુર ગામે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે તે પછી 3.50 કલાકે તેઓ સાણંદના મોડાસર ખાતે તળાવના નવીનીકરણ અને બ્યુટીફિકેશનનું ખાતમુહૂર્ત અમિતશાહના હસ્તે કરવામાં આવશે. તો સાંજે 4.15 કલાકે ગાંધીનગર લોકસભાના લાભાર્થીઓને રાંધણગેસ કીટનું વિતરણ, થેલેસેમિયા જાગૃતિ અભિયાનનો પ્રારંભ તથા ઓવરબ્રિજનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.