ટ્વીટ કરીને આ અંગે સંવેદના વ્યક્ત કરી, મૃતકના સગાઓને ઝડપથી સહાય ચૂકવાશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ભર શિયાળે આવેલો વરસાદ કાળરુપી સાબીત થયો છે. રાજ્યમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં કુલ 17 લોકોના મોત થયા છે. ત્યારે આ ઘટનાને લઇને ખુદ કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટ કરીને આ અંગે સંવેદના વ્યક્ત કરી છે.
ગુજરાતમાં ગઇકાલે વરસેલા આફતના વરસાદ વચ્ચે વીજળી પડવાની પણ અનેક ઘટનાઓ બની છે. જેના કારણે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવેલા છે. ત્યારે આ અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ છે. જેમાં અમિત શાહે જણાવ્યુ છે કે વીજળી પડતા લોકોના મોતથી હું દુ:ખ અનુભવુ છું. મૃતકોના સ્વજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મૃતકના સગાને ઝડપથી નિયમ પ્રમાણે સહાય ચુકવાશે.
મહત્વનું છે કે ગુજરાતમાં વીજળી પડતા અલગ અલગ સ્થળે લોકોના મોત થયા છે. બોટાદમાં 22 વર્ષીય યુવક, અમરેલીના રોહિસામાં 16 વર્ષનો કિશોર,વિરમગામમાં ખેડૂત, મહેસાણાના કડીમાં એક યુવક,તાપીના ગુંદી ગામમાં બે વ્યક્તિ, સુરતના બારડોલીમાં એક મહિલા, ભરુચમાં દાદી-પૌત્રી, સુરેન્દ્રનગરના ભાણેજડા ગામમાં યુવકનું મોત થયુ છે.