રાજકોટનાં વોર્ડ નં. 1માં વિવિધ સ્થળોની મુલાકાત લેતાં મ્યુ. કમિશનર
પે યુઝ ટોઈલેટમાં સ્વચ્છતા જાળવવા સૂચના આપી: 150 ફૂટ રીંગ રોડના મુખ્ય માર્ગો પર સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર તંત્ર દ્વારા વિવિધ યોજનાઓનું નિર્માણ કરવામાં આવતું હોય છે જેથી શહેરીજનોને રોડ-રસ્તા, ગટર, વીજળી, પાણી સહિતની સુવિધા મળી રહે છે ત્યારે વિવિધ યોજના કામગીરી ચાલતી હોય છે ત્યારે અવારનવાર સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવતી હોય છે. આજરોજ વોર્ડ નં. 1માં ચાલી રહેલ વિવિધ વિકાસલક્ષી યોજના મુલાકાત મ્યુ. કમિશનર અમિત અરોરાએ કરી હતી. જેમાં દ્વારકાધીશ હાઈટ્સ મેઈન રોડ પર ચાલતી મેટલીંગ કામગીરી, ધરમનગરમાં આવેલ આંગણવાડી અને ધરમનગર આવાસ યોજના પાસે આવેલ પે યુઝ ટોઈલેટની વિઝીટ કરી હતી તેમજ ધરમનગર આવાસ યોજનાના રહેવાસીઓ સાથે વાતચીત કરી હતી.
દ્વારકાધીશ હાઈટ્સ મેઈન રોડ પર ચાલતી મેટલીંગની કામગીરીમાં મટિરિયલ અંગેની માહિતી મેળવીને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી. ધરમનગરમાં આવેલ આંગણવાડી ખાતે બાળકોને આપવામાં આવતાં પૌષ્ટિક ફૂડ વિશે માહિતી મેળવી હતી તેમજ ધરમનગર આવાસ યોજના પાસે આવેલ પે યુઝ ટોઈલેટ ખાતે સ્વચ્છતા અંગે જરૂરી સૂચના આપી હતી તથા 150 ફૂટ રીંગ રોડના મુખ્ય માર્ગો પર સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન મ્યુ. કમિશનર અમિત અરોરા સાથે સીટી એન્જી. દોઢિયા, પર્યાવરણ ઈજનેર પરમાર, પી.એ. (ટેક) ટુ કમિશનર દવે સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.