ઉત્તરાયણ પર્વમાં વેંચાતી ચાઈનીઝ દોરી ક્યારે બંધ થશે?
પ્રતિ વર્ષ અનેક લોકો મોતને ભેટે છે, સેંકડોની સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થાય છે
- Advertisement -
તંત્રના જાહેરનામાઓનો ઊલાળિયો કરનાર સામે કેવી કાર્યવાહી?
ખાસ-ખબર સંવાદદાતા
ઉતરાયણ પર્વ આગામી 14 જાન્યુઆરી આવી રહ્યું છે ત્યારે ઉતરાયણ પર્વને ઉજવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ધાબા પર ચડી અવનવા પતંગ ઉડાવવાની સાથે અવનવી વાનગી સાથે અલગ અલગ ચીકીનો સ્વાદ માણતાં જોવા મળતા હોય છે. ત્યારે પતંગ કાપવાની સાથે અલગ-અલગ વાજીંત્રો સાથે ચિચયારીની ગુંજ સાંભળવા મળતી હોય છે. એ ચિચયારીની ગુંજ વચ્ચે ક્યાંક કોઈની જીંદગી પણ શાંત થઈ જવાના બનાવ પણ બને છે. ‘ખાસ-ખબર’ લોકોને ચાઈનીઝ દોરાનું વેંચાણ અને તેનો ઉપયોગ ન કરવા અપીલ કરે છે. કારણ કે એ કાપ્યો છેનાં સુર વચ્ચે અનેક પરિવારના લાડકવાયાની જીવનની ડોર પણ આ ઘાતક ચાઈનીઝ દોરાથી કપાઈ જાય છે. ત્યારે પ્રતિ વર્ષ હજારોની સંખ્યામાં ચાઈનીઝ દોરી ઝડપાય છે છતાં ઉતરાયણ પર્વમાં હજુ અનેક જગ્યાએ ચાઈનીઝ દોરીનો ઉપયોગ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે.
એક-બીજાનાં પતંગ કાપવા લોકો આનંદ માણતા હોઈ છે ત્યારે એજ ચાઈનીઝ દોરીથી કોકના પરિવારનો આનંદ પણ છીનવાઈ જતો હોય છે. ઉતરાયણ પર્વ માં ઘાતક ચાઈનીઝ દોરીથી સેંકડોની સંખ્યામાં પક્ષીઓ મોતને ભેટવાની સાથે હજારો પક્ષીઓ ઘાયલો થાય છે. પતંગની દોરી વૃક્ષ તેમજ ઇલેક્ટ્રિક પોલ ઉપર પડી રહેવાથી અનેક પક્ષીઓના પગમાં ફસાવાથી મોત નીપજે છે એવા સમયે ચાઈનીઝ દોરીથી માનવ જિંદગી સાથે પક્ષીઓને મોટું નુકશાન થતું જોવા મળે છે. ચાઈનીઝ દોરીનું વેંચાણ કરતાં વેપારીઓ સામે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે પણ જો નક્કર કામગીરી કરવામાં આવે તો અને કડક સજા સાથે મસમોટા દંડ વસૂલવામાં આવેતો ચાઈનીઝ દોરી વેંચનારને ભાન થશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
- Advertisement -
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટએ ઉતરાયણ પર્વ તહેવારમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં તા.5 થી 31 જાન્યુઆરી સુધી ચાઈનીઝ તુક્કલ તેમજ પતંગ ચગાવાના ચાઈનીઝ માંઝા ,નાયલોન ,પ્લાસ્ટિક દોરી અથવા અન્ય સિન્થેટિક માંઝા સિન્થેટિક પદાર્થોથી તથા અન્ય પદાર્થોથી કોટિંગ કરેલ હોઈ અને નોન બાયોડીગ્રેબલ હોઈ તેવી દોરીના ખરીદ, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ ઉપર સંપૂર્ણ પણે પ્રતિબંધ ફરમાવામાં આવે છે આ જાહેરનામાનો ભંગ કરનાર સામે 188 કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
કરુણા એનિમલની કામગીરી
રાજ્ય સરકાર દ્વારા ચાલતી કરુણા એનિમલ 1962 હેલ્પ લાઈન એમ્બ્યુલન્સ ચાલવામાં આવે છે. તેની સાથે ઉતરાયણ પર્વમાં ખાસ સેવા આપવામાં આવે છે. જેમાં પતંગની દોરીમાં ફસાયેલ પક્ષીને સારવાર આપવામાં આવે છે. ગત વર્ષે ગુજરાતમાં 400થી 500 પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં જૂનાગઢમાં પણ સેંકડો પક્ષીની સારવાર કરવામાં આવી હતી. સાથે અનેક સામાજિક સંસ્થા દ્વારા પણ ખાસ કેમ્પ ઉભા કરીને ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે.
જૂનાગઢ મનપાની કામગીરી
ઉતરાયણ પર્વ નજીક આવી રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકાની રેવન્યુ ટેક્સ ડીપાટમેન્ટ અને શોપ એન્ડ એસ્ટાબ્લીસ ડિપાટમેન્ટ દ્વારા ઉતરાયણ પર્વ પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા અનુસંધાને શહેરમાં એક ટીમ બનાવી ચાઇનીઝ દોરીનું વેંચાણ કરનાર વેપારીઓની દુકાનમાં ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જો કોઇ વેપારી પાસેથી ચાઇનીઝ તુકકલ અથવા પતંગ ચગાવવાની ચાઇનીઝ દોરી મળી આવશે તો જાહેરનામાં ભંગ અંતર્ગત કાર્યવાહી કરાશે.