મહારાષ્ટ્રમાં છેલ્લા 4 દિવસથી રાજકીય સંકટ ઊભું થયું છે અને હવે લડાઈ રસ્તા પર ઉતરી આવી છે ત્યારે એકનાથ શિંદેએ પોતાની નવી પાર્ટીનું એલાન કરી નાંખ્યું છે.
- Advertisement -
એકનાથ શિંદના જૂથે પોતાનું નામ નક્કી કર્યું
મહારાષ્ટ્રના રાજકારણમાં હવે બે બે શિવસેના હશે. ઉદ્ધવ ઠાકરેથી નારાજ થઈને પહેલા સુરત અને તે બાદ ગુવાહાટી જતાં રહેલા એકનાથ શિંદે અને તેમના સાથી ધારાસભ્યોએ હવે શિવસેના તોડીને પોતાની અલગ પાર્ટીનું એલાન કરી નાંખ્યું છે. આ નવી પાર્ટીનું નામ બાળાસાહેબ ઠાકરેના નામ પરથી જ રાખવામાં આવ્યું છે, નવી પાર્ટીનું નામ હશે ‘શિવસેના બાળાસાહેબ’. જોકે હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના આની સામે શું કોઈ કાયદાકીય કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહેશે.
હિન્દુત્વના રસ્તે પાછા આવવા એકનાથની હતી માંગ
નોંધનીય છે કે જ્યારથી આ ધારાસભ્યો અને એકનાથ શિંદેએ વિદ્રોહ કર્યો છે, ત્યારથી જ તેઓ કહેતા હતા કે અમે તો સાચા શિવસૈનિકો છીએ અને બાળાસાહેબના વિચારો પર અમે ચાલીએ છે. એકનાથ શિંદેના જૂથનો દાવો છે કે ઉદ્ધવ ઠાકરે હવે શરદ પવાર અને કોંગ્રેસ સાથે જઈને હિન્દુત્વથી દૂર જતાં રહ્યા છે. એકનાથ શિંદેની માંગણી હતી કે ઉદ્ધવ ઠાકરે ગઠબંધનમાંથી બહાર આવે અને ફરીથી ભાજપ પાસે જાય તો અમે પાછા આવી જઈશું કારણ કે અમારે પક્ષ છોડવો નથી.
સંજય રાઉતે કહ્યું, રસ્તા પર આગ લાગી જશે
સંજય રાઉતે ફરી એક વાર બળવાખોર ધારાસભ્યોને ઈશારામાં ધમકી આપી દીધી છે. તેમણે કહ્યુ કે, શિવસૈનિકોએ ધૈર્ય રાખ્યું છે, નહીંતર શહેરોમાં આગ લાગી જાય. એટલા માટે આપને કહી રહ્યા છીએ કે, પાછા આવી જાવ. સંજય રાઉતે એકનાથ શિંદે જૂથના સંદર્ભમાં કહ્યું છે કે, તેઓ જે દાવા કરી રહ્યા છે, તેમને કરવા દો. નંબર્સમાં કોની પાસે કેટલી તાકાત છે, તે ફ્લોર પર દેખાશે. હું સીએમ ઉદ્ધવ ઠાકરે તરફથી બોલી રહ્યો છું, તે યાદ રાખજો.
- Advertisement -
સંજય રાઉતના આ નિવેદન બાદ પૂણેમાં એક ધારાસભ્યની ઓફિસમાં શિવસેનાના કાર્યકરોએ ભયંકર તોડફોડ
શું છે સમગ્ર ઘટનાક્રમ?
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેથી નારાજ થઈને તેમની પાર્ટીના દિગ્ગજ નેતા એકનાથ શિંદે અમુક ધારાસભ્યોને લઈને સુરત જતાં રહ્યા, ત્યાંથી ગુવાહાટી ગયા. તેઓ વિદ્રોહ કરીને ગુવાહાટી ગયા તે બાદ પણ અનેક ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા અને ધીમે ધીમે ઉદ્ધવ ઠાકરેનું સમર્થન ઓછું થતું ગયું. એક સમય એવો આવ્યો કે ઉદ્ધવ ઠાકરેની બેઠકમાં માત્ર 13 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી નિવાસ છોડ્યું અને બેથી ત્રણ વાર કાર્યકરોને ઈમોશનલ અપીલ કરી હતી. એક બાદ એક બેઠકોનો દોર યથાવત છે અને સરકાર પર તલવાર લટકી રહી છે. રાજ્યની જનતાને એક જ પ્રશ્ન છે કે શું વર્તમાન સરકાર પડી જશે? શું કોઈ નવી સરકાર બનશે?