ખાસ-ખબર ન્યૂઝ અમેરિકા, તા..05
અમેરિકાના ઓક્લાહોમા પ્રાંતમાં બે લોકોની હત્યાના દોષીને ગુરુવારે મોતની સજા આપવામાં આવી. હત્યારાએ 2002માં એક ભારતીય સહિત બે લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. રિપોર્ટ અનુસાર માઈકલ ડ્વેન સ્મિથને મેકલેસ્ટર શહેરમાં ઓક્લાહોમા સ્ટેટ પેનિટેન્ટરીમાં જીવલેણ ઈન્જેક્શન આપીને મોતની સજા આપવામાં આવી. સ્મિથે 22 ફેબ્રુઆરી 2002એ અલગ-અલગ ઘટનાઓમાં ભારતીય સ્ટોર ક્લર્ક શરત પુલ્લુરુ અને એક અન્ય વ્યક્તિ જેનેટ મૂરની હત્યા કરી દીધી હતી. ઓક્લાહોમાના એટર્ની જનરલ જેન્ટનર ડ્રમંડે સ્મિથની ફાંસી પર નિવેદન જારી કરતા કહ્યુ, જેનેટ મૂર અને શરત પુલ્લુરુના પરિવારો માટે 22 વર્ષ અઘરા રહ્યાં છે.તેમણે દુ:ખ સહન કર્યું છે. બંનેની હત્યા એટલા માટે કરવામાં આવી કેમ કે તે ખોટા સમયે ખોટા સ્થળે હતા. હું આભારી છું કે ન્યાય મળ્યો. ગયા મહિને શરતના ભાઈ, હરીશ પુલ્લુરુએ નિવેદન જારી કરીને સ્મિથને માફી ન આપવાની માગ કરી હતી.