‘મેલોડીઝ ફ્રોમ ધ હાર્ટ’ લોકલ ટૂ ગ્લોબલ બની રહેશે: ડૉ. ઉત્પલ જોશી
લોકગીતોની કંઠસ્થ પરંપરા હજારો વર્ષો જૂની: રાજુલભાઈ દવે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અંબર પંડ્યા અનુવાદિત ગુજરાતી લોકગીતોના અંગ્રેજી આસ્વાદના પુસ્તક ‘મેલોડીઝ ફ્રોમ ધ હાર્ટ’નું વિમોચન ‘ગ્રંથગોષ્ઠિ’ની બેઠકમાં મહાનુભાવો અને સાહિત્ય-લોકસાહિત્ય પ્રેમીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.
- Advertisement -
સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન સંચાલિત પ્રિન્સિપાલ ડી. પી. જોશી પબ્લિક લાઈબ્રેરીની 315મી બેઠકમાં દર વખતે કોઈ ગ્રંથનો આસ્વાદ થતો હોય છે, પણ આ બેઠકમાં ગ્રંથનું વિમોચન થયું. સુપ્રસિદ્ધ લોકગાયક, લેખક, પત્રકાર નીલેશ પંડ્યા લિખિત લોકગીતો અને આસ્વાદના લોકપ્રિય પુસ્તક ‘ચાંદો ઊગ્યો ચોકમાં’ના 50 લોકગીતો યથાવત રાખી એના આસ્વાદનો અંગ્રેજી અનુવાદ ‘મેલોડીઝ ફ્રોમ ધ હાર્ટ’ નામથી અંબર પંડ્યાએ કર્યો, જેનું વિમોચન ગરિમાપૂર્ણ સમારોહમાં થયું હતું.
આ તકે ઉદ્બોધનમાં સમારોહના અધ્યક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીએ કહ્યું કે આપણે ત્યાં હવે ‘વોકલ ફોર લોકલ’નો ક્ધસેપ્ટ અમલી બન્યો છે ત્યારે અંબર પંડ્યાનું પુસ્તક ‘મેલોડીઝ ફ્રોમ ધ હાર્ટ’ સૌરાષ્ટ્ર, ગુજરાતની લોકસંસ્કૃતિ, લોકપરંપરાને દેશ-દેશાવર સુધી પહોંચાડશે અર્થાત્ આ પુસ્તક ‘લોકલ ટૂ ગ્લોબલ’ બની રહેશે. તેમણે ગુજરાતી સાહિત્યકારો નર્મદ, કવિ દલપતરામ, નાન્હાલાલને યાદ કરી તેમના પ્રદાનનું સ્મરણ કર્યું, તો ઝવેરચંદ મેઘાણી, કવિ દુલા ભાયા કાગને પણ કર્યા.
સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનના સ્થાપક ગુલાબભાઈ જાનીએ ‘ગ્રંથગોષ્ઠિ’ની પ્રથમ બેઠકથી લઈ 315મી બેઠક સુધીની સફરની ઝલક આપી હતી. જાણીતા લેખક, સંશોધક, વરિષ્ઠ પત્રકાર રાજુલભાઈ દવેએ હજારો વર્ષની લોકગીતની કંઠસ્થ પરંપરા ને એ પછી દોઢેક સદીની ગ્રંથસ્થ પરંપરાની રસપ્રદ ચર્ચા કરી હતી. ગુજરાતી લોકગીતોમાં બહારવટિયાના ગીતો, શૂરવીરાઈના ગીતોનો ઉલ્લેખ કરી ‘મેલોડીઝ ફ્રોમ ધ હાર્ટ’માં સમાવિષ્ટ લોકગીતો વિશે વાત કરી અંબર પંડ્યાને શાબાશી આપી હતી.
- Advertisement -
અંબર પંડ્યાએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે શિશુ અવસ્થાથી લોકગીતો સાંભળતો આવ્યું છું. પિતાજી કોલેજો, યુનિવર્સિટીઓમાં લોકગીતોના કાર્યક્રમ આપીને આવે પછી ક્યા ગીતો ગાયા? કઈ કઈ ફરમાઈશ આવી એની વાતો કરે એટલે મારા ડી.એન.એ.માં લોકગીત છે. વળી અંગ્રેજી વિષય સાથે એમ.એ.નો અભ્યાસ કરતો હતો ત્યારે લોકગીતો પર જ ડેઝર્ટેશન કર્યું હતું. ‘મેલોડીઝ ફ્રોમ ધ હાર્ટ’ના પ્રકાશક અને પુસ્તકમાં પ્રસ્તાવના, આવકાર લખી આપનારા ગુરુજનોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી બળવંતભાઈ દેસાઈ, વેદાંત નોલેજ સિસ્ટમ પ્રા.લિ.ના ડાયરેકટર સી. એસ. રાજભાઈ સોની અને સાહિત્ય -લોકસાહિત્ય રસિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.