નિકાસકારોને યુએસ ખરીદદારો તરફથી ઇમેઇલ અને પત્રો મળ્યા હોવાના અહેવાલ છે જેમાં તેમને આગામી સૂચના સુધી વસ્ત્રો અને કાપડના શિપમેન્ટ બંધ રાખવાની વિનંતી કરવામાં આવી છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફની અસર શરૂ થઈ છે. ઘણી ટોચની અમેરિકન કંપનીઓએ ભારતમાંથી માલ આયાત કરવાનું અચાનક બંધ કરી દીધુ છે. તેની સૌથી વધુ અસર ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી પર જોવા મળી છે. એમેઝોન અને વોલમાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓએ ગઈકાલે મોડી રાત્રે ભારતીય ટેક્સટાઈલ કંપનીઓને ફોન કરી હાલ પૂરતો સપ્લાય બંધ કરવા કહ્યું છે. અમેરિકન કંપનીઓ આટલો બધો ટેરિફ ચૂકવવા માટે હાલ તૈયાર ન હોવાથી તેમણે ભારતમાંથી આયાત કામચલાઉ ધોરણે બંધ કરી છે.
- Advertisement -
ભારતની મોટા પાયે નિકાસ કરતી ટેક્સટાઈલ કંપની પર્લ ગ્લોબલે જણાવ્યું કે, એમેઝોન, વોલમાર્ટ જેવી કંપનીઓએ વેપાર કરવાનું બંધ કરી દીધુ છે. આજે મધ્યરાત્રિએ અચાનક અમેરિકાથી એમેઝોન વોલમાર્ટ કંપનીઓના ફોન આવ્યા કે, માલનો પુરવઠો હાલ પૂરતો બંધ કરો. કેટલીક કંપનીઓએ ઈમેઈલ દ્વારા પોતાના નિર્ણયની જાણ કરી છે. અમેરિકન ખરીદદારોએ સ્પષ્ટપણે કહ્યુ છે કે, ટેરિફમાં વૃદ્ધિના કારણે વધેલા ખર્ચને હાલ સમાયોજિત કરી શકતા નથી. તેથી તેઓ સપ્લાય લેશે નહીં.
અમેરિકામાં મોંઘવારી વધશે
ભારતમાંથી ખરીદેલા માલની કિંમત અમેરિકામાં ઘણી વધી જશે. આવી સ્થિતિમાં, તેમના વેચાણની શક્યતા ઓછી થવાની ભીતિ છે. તેથી, કંપનીઓ હાલમાં ભારતીય માલ આયાત કરવાનું ટાળી રહી છે. પર્લ ગ્લોબલના મેનેજિંગ ડિરેક્ટર પલ્લબ બેનર્જી કહે છે કે અમેરિકાના ગ્રાહકો અમને ફોન કરી રહ્યા છે. તેઓ ભારતને બદલે અન્ય દેશો તરફ ડાયવર્ટ થવાનું વિચારી રહ્યા છે. અડધી રાત્રે (અમેરિકન સમયાનુસાર સવારે) એમેઝોન, વોલમાર્ટ સહિતની કંપનીઓના ફોન આવ્યા હતા કે, હાલ પૂરતો સપ્લાય બંધ કરે.
- Advertisement -
ટેરિફને માલની કિંમતમાં સમાયોજિત કરવાની માગણી
અમુક કંપનીઓએ ઈમેઈલ કરી ભારતમાંથી હાલ આયાત બંધ કરવાનો નિર્ણય જણાવ્યો છે. અમેરિકાના ખરીદદારોએ ભારતીય નિકાસકારોને સ્પષ્ટપણે કહ્યું કે, ભારતીય વેપારીઓ ટેરિફમાં થયેલા વધારાને માલની કિંમતમાં સમાયોજિત કરે, નહીં તો અમે સપ્લાય બંધ કરી દઈશું. જેની પાછળનું કારણ ટેરિફમાં વૃદ્ધિના કારણે ભારતમાંથી ખરીદેલા માલ-સામાનની કિંમત અમેરિકામાં અનેકગણી વધશે. જેથી વેચાણો ઘટશે.
ભારતીય કંપનીઓ પોતાના ઉત્પાદન અન્ય દેશોમાં શિફ્ટ કરશે
બેનર્જીએ જણાવ્યું હતું કે, અમે અમારા અમેરિકાના પાર્ટનર પાસે થોડો સમય માગ્યો છે. અમે અમારા કારખાનાઓને બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, વિયેતનામ અને ગ્વાટેમાલા વગેરેમાં ખસેડવાનું વિચારીશું. અમેરિકા આ દેશો પાસેથી ઓછો ટેરિફ વસૂલે છે. વાસ્તવમાં, એપ્રિલથી સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. બાંગ્લાદેશ અને વિયેતનામ પર 20 ટકા અને ચીન પર 30 ટકા ટેરિફ લાગુ છે. ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફમાંથી 25 ટકા ટેરિફ આ ગુરૂવારથી લાગુ થઈ ચૂક્યો છે. જ્યારે બાકીનો 25 ટકા ટેરિફ 28 ઓગસ્ટથી લાગુ થશે.