રિલાયન્સ રિટેલનો 40 ટકા જેટલો હિસ્સો એમેઝોનને 20 અબજ ડોલરમાં વેચવા માટે ચાલતી વાટાઘાટો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી દ્વારા રિલાયન્સ રિટેલમાં વધુ એક ડીલ કરવા જઇ રહ્યા છે. પ્રાપ્તિ માહિતી મુજબ મુકેશ અંબાણી રિલાયન્સ રિટેલનો લગભગ 40 ટકા જેટલો હિસ્સો દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એમેઝોનને 20 અબજ ડોલરમાં વેચવા માટે વાટાઘાટો કરી રહ્યા છે.
બ્લૂમબર્ગે એક અહેવાલમાં કહ્યું છે કે, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં રોકાણ કરવા અંગે ચર્ચા કરી છે અને સંભવિત ટ્રાન્ઝેક્શનની વાટાઘાટો કરવામાં રસ દર્શાવ્યો હોવાનું ઘટનાક્રમથી માહિતીગાર સુત્રોએ જણાવ્યુ છે. રિલાયન્સ રિટેલમાં વધુ એક ડીલના અહેવાલના પગલે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 8 ટકા જેટલો ઉછળીને રૂ.2343.90ની વિક્રમી ઉંચી સપાટીને સ્પર્શી ગયો હતો.
- Advertisement -
આ પહેલાં રિલાયન્સ જિયોમાં રોકાણ કરનાર કંપની સિલ્વર લેક પાર્ટનરે પણ રિલાયન્સના રિટેલ બિઝનેસમાં 7500 કરોડનું રોકાણ કરશે. જેના બદલામાં રિલાયન્સ રિટેલમાં તે 1.75 ટકાની ભાગીદાર બની જશે. હવે રિલાયન્સ રિટેલનું બજાર મૂલ્ય 4.21 લાખ કરોડ રૂપિયાનું હોવાનું કહેવાઈ રહ્યું છે. સિલ્વર લેક કંપનીએ રિલાયન્સ જિયોમાં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.