ઓલપાડમાં ધાર્મિક માલવિયાને ટિકિટઆપતું ‘આપ’: રાજકોટની બે બેઠકના ઉમેદવાર પણ જાહેર
સુરતમાં સૌરાષ્ટ્રના રહેવાસીઓની બહુમતી ધરાવતી બેઠક પર પાટીદાર ઉમેદવારો વચ્ચે જંગ : વધુ 12 ઉમેદવારોની જાહેરાત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં આક્રમક રીતે ચૂંટણી લડવા આગળ વધી રહેલા આમ આદમી પાર્ટીએ આજે રાજકોટની બે બેઠક સહિત 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. રાજકોટ-68 બેઠક પર રાહુલ ભુવા અને રાજકોટ-69 બેઠક પર દિનેશ જોષીને ટીકીટ આપી છે. આ રીતે રાજકોટમાં ‘આપ’ના તમામ ચાર બેઠકોના ઉમેદવારો નિશ્ચીત થઇ ગયા છે. અગાઉ જ આમ આદમી પાર્ટીએ રાજકોટ ગ્રામ્યમાં વશરામભાઈ સાગઠીયા અને રાજકોટ-70માં ચેમ્બરના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસીયાને ટીકીટ આપી હતી. આજે જાહેર કરેલી યાદીમાં સૌરાષ્ટ્રની 5 બેઠકોની ઉમેદવારી નિશ્ચીત કરી છે. સૌથી મહત્વનું એ છે કે હાલમાં જ ‘આપ’માં ભળેલા પાટીદાર અનામત આંદોલનના પૂર્વ ક્ધવનીર અલ્પેશ કથીરીયાને સુરતની વરાછા રોડ બેઠક પર ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. અલ્પેશ કથીરીયા એક તબક્કે ગોંડલની બેઠકમાં ચૂંટણી લડશે તેવા સંકેત હતા. સુરતની મહાનગરપાલિકામાં વરાછા રોડ વિસ્તારમાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી હતી અને ત્યારથી જ ‘આપ’નું નામ ગાજવા લાગ્યું હતું અને તેમાં હવે અલ્પેશ કથીરીયાની એન્ટ્રી થઇ છે. સૌરાષ્ટ્રના લોકોની ભારે બહુમતી ધરાવતા આ મત વિસ્તારમાં ભાજપ વર્તમાન ધારાસભ્ય કુમાર કાનાણીને હવે ટીકીટ આપે છે કે કેમ તેના પર સૌની નજર છે.
જ્યારે સુરતની ઓલપાડ બેઠક પર પાસના જ એક નેતા ધાર્મિક માલવિયાને ઉમેદવાર બનાવ્યા છે. આમ પાટીદાર બહુમતી ધરાવતી બેઠકમાં હવે કોંગ્રેસ અને ભાજપ પણ પાટીદારોને ટીકીટ આપશે અને તેથી જંગ રસપ્રદ હશે. કુતિયાણાની બેઠક પર આમ આદમી પાર્ટીએ દલીતકાર્ડ ખેલતા ભીમજીભાઈ મકવાણાને ટીકીટ આપી છે. આ બેઠક પર એનસીપીના કાંધલ જાડેજાનું વર્ચસ્વ છે અને કોંગ્રેસે નાથાભાઈ ઓડેદરાને ટીકીટ આપી છે. જ્યારે રાધનપુર બેઠક પર ઠાકોર સમાજના મતદારો વધુ હોવાથી લાલજી ઠાકોરને ‘આપે’ ટીકીટ આપતા અહીં અલ્પેશ ઠાકોર ઉપરાંત કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય રઘુ દેસાઈ વચ્ચે જંગ જામશે. કચ્છના ગાંધીધામમાં અનામત બેઠક પર મહેશ્ર્વરી સમાજના બી.ટી.મહેશ્ર્વરીને ટીકીટ આપી છે. અન્ય બેઠકોમાં દાંતામાં એમ.કે. બોંબાડીયા, પાલનપુરમાં મહેશ નાભાણી, મોડાસામાં રાજેન્દ્રસિંહ પરમાર, બોટાદમાં ઉમેશ મકવાણાને ટીકીટ આપી છે.