અનેક રાજ્યોમાં વરસાદ ઓછો : SBIના ઓગસ્ટ મહિનાના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
- Advertisement -
દુનિયાના બાકી દેશોની સાથે સાથે ભારતની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ જોવા મળી રહી છે પણ મોંઘવારીના મોરચે સ્થિતિ ચિંતાજનક છે. એસબીઆઈએ ઓગષ્ટ મહિનાના રિપોર્ટમાં મોંઘવારીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ત્રિમાસિકની તુલનામાં અર્થવ્યવસ્થામાં વધારો જોવા મળી રહ્યો છે, પણ ખાદ્ય અને જરૂરી વસ્તુઓની મોંઘવારીના મામલામાં ભારત દક્ષિણ આફ્રિકાની સાથે રશિયા પછી બીજા નંબરે છે. ભવિષ્યમાં પણ મોંઘવારીની સ્થિતિ ચોમાસા પર નિર્ભર રહેશે. ચિંતાની વાત એ છે કે કેટલાક રાજયોમાં સારો વરસાદ થયો છે તો કેટલાક રાજયોમાં સામાન્યથી ઓછો.
રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, આ વખતે ગત વર્ષની તુલનામાં ખરીફ પાકની વાવણીનું ક્ષેત્રફળ લગભગ ત્રણ ટકા સુધી વધી ગયું છે. ગત વર્ષ 879.2 લાખ હેકટરમાં ચોખા, શેરડી, બાજરો, કપાસ, દાળો સહિત અન્ય પાકોની વાવણી કરવામાં આવી હતી, જે આ વખતે વધીને 904.6 લાખ હેકટર થઈ ગઈ છે. હરિયાણા-પંજાબ જેવા કૃષિપ્રધાન રાજયોમાં ગત વર્ષની તુલનામાં ઓછો વરસાદ થયો છે. જેથી ઉપજ પર અસર પડી શકે છે. જો કે હજુ ચોમાસાના બે-અઢી મહિના બાકી છે. જો વરસાદ સારો રહે તો ઉપજમાં સુધારો આવશે, જેથી મોંઘવારીને નિયંત્રીત કરવામાં મદદ મળશે.
કેટલાક રાજયોમાં ખરીફ પાકની વાવણીનું ક્ષેત્રફળ ઓછું થઈ ગયું છે. 2 ઓગષ્ટ સુધીમાં પશ્ર્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ અને આંધ્રપ્રદેશમાં શણનું વાવેતરનું ક્ષેત્રફળ 9 ટકાથી વધુ ઘટી ગયું છે.