31મી જાન્યુઆરી, 2018ને બુધવારના રોજ બ્રિટિશ પાર્લામેન્ટ એના નિર્ધારિત સમયે શરૂ થઈ. પાર્લામેન્ટ શરૂ થઈ ગઈ હતી અને મોટા ભાગના સભ્યો પણ પાર્લામેન્ટમાં હાજર હતા. પાર્લામેન્ટના એજન્ડા પ્રમાણે એક મહત્ત્વના પ્રશ્નની ચર્ચા ચાલી રહી રહી. આપણને સૌને એ ખ્યાલ છે કે પાર્લામેન્ટમાં જે વિષયની ચર્ચા ચાલતી હોય એ વિષય સંભાળતા મંત્રી ચર્ચામાં હાજર હોય અને ચર્ચા બાદ પાર્લામેન્ટના સભ્યો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોના મંત્રીશ્રી પોતાના વિભાગ વતી જવાબ આપતા હોય છે.
બ્રિટિશ સરકારના મંત્રી લોર્ડ માઈકલ બટ્સ પાર્લામેન્ટમાં થોડા મોડા પહોંચ્યા. મંત્રીશ્રી જ્યારે પાર્લામેન્ટમાં આવ્યા ત્યારે એના વિભાગના એક પ્રશ્ન પર ચર્ચા ચાલી રહી હતી. એક સીનિયર સભ્ય દ્વારા પાર્લામેન્ટ સમક્ષ મુકવામાં આવેલા પ્રશ્નને સાંભળવા માટે ખુદ મંત્રી જ ગેરહાજર હતા. લોર્ડ માઈકલ બટ્સએ જોયુ કે એમના જ વિભાગને લગતા એક મહત્ત્વના પ્રશ્નની ચર્ચા વખતે બાકીના બધા હાજર છે પણ મંત્રી તરીકે એ જ ગેરહાજર હતા.
- Advertisement -
માઈકલ બટ્સએ માત્ર પોતાની ભૂલનો એકરાર કરીને સંતોષ માનવાના બદલે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પાર્લામેન્ટના સૌ સભ્યોને ઉદેશીને કહ્યું, કોઈ સભ્ય મારા વિભાગને લગતો કોઈ પ્રશ્ન ગૃહ સમક્ષ રજૂ કરતા હોય ત્યારે મંત્રી તરીકે હું હાજર ન હોઉ એ મારા માટે શરમની વાત છે. ગૃહમાં થોડી મિનિટ મોડો પહોંચ્યો એ બદલ હું બધાની માફી માંગુ છું. મને એવું લાગે છે કે જો મારા વિભાગના પ્રશ્નની ચર્ચા વખતે પણ જો હું સમયસર હાજર ના રહી શકતો હોય તો મને મંત્રીના હોદ્દા પર ચાલુ રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. મારી આ ભૂલ બદલ હું મંત્રી તરીકેના હોદ્દા પરથી તાત્કાલિક અસરથી રાજીનામુ આપું છું.
ગૃહમાં હાજર સભ્યો ના…ના બોલતા રહ્યા અને માઈકલ બટ્સ મંત્રી તરીકેનાં પોતાના રાજીનામાનો પ્રસ્તાવ મૂકીને પાર્લામેન્ટ છોડી જતા રહ્યા.
મોટો હોદ્દો માત્ર વટ પાડવા જ નથી હોતો, સત્તાની સાથે જવાબદારી પણ ઉપાડવાની હોય છે. જ્યારે કોઈ તમને સત્તા આપે છે ત્યારે સત્તા આપનારાઓ પ્રત્યે આપણી જવાબદારીઓ પણ હોય છે એ ભૂલાવું નાં જોઈએ.
- Advertisement -
જો તમે સાચા માર્ગે ચાલી રહ્યાં હો અને એ જ માર્ગે ચાલવા માંગતા હો, તો તમે નિશ્ચિતપણે પ્રગતિ કરવાના.
-બરાક ઓબામા