સરકારી જમીનના દબાણકર્તા પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવા હુકમ કર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
રાજ્ય સરકાર દ્વારા સરકારી અને માલિકીની જમીન પર ગેરકાયદેસર દબાણ કરતા ઇસમોની શાન ઠેકાણે લાવ માટે લેન્ડ ગ્રેવિંગનો કાયદો ઘડ્યો છે પરંતુ આ લેન્ડ ગ્રેબિંગનો કાયદો કેટલાક અંશે પાંગળો સાબિત થયો હોય તેવું નજરે પડ્યું છે જેમાં મુળી તાલુકાના સરલા ગામે સરકારી સર્વે 104 જમીન પર કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી પાકું બાંધકામ કરી દેવાયું છે.
જે અંગે સરલા ગામના જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબિંગ મુજબની અરજી કરી હતી જે બાદ જિલ્લા કલેકટર દ્વારા મહેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ પટેલની અરજી પર નિર્ણય કરી ગત 11 ઓક્ટોમ્બર 2024ના રોજ શૈલેષભાઈ હસમુખભાઇ પટેલ, ઈશ્વરભાઈ પોપટભાઈ પટેલ, રસિકભાઈ ઈશ્વરભાઈ પટેલ તથા પ્રકાશભાઈ કરશનભાઈ પટેલ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ મુજબ ગુન્હો નોંધવા હુકમ કર્યો હતો.
- Advertisement -
આ સાથે મનોજભાઈ ઘનશ્યામભાઈ પટેલ દ્વારા પણ વાસુદેવભાઇ મગનભાઈ પટેલ, કૌશિકભાઇ વાસુદેવભાઇ પટેલ અને સાધનાબેન કૌશિકભાઇ પટેલ વિરૂદ્ધ અરજી કરતા ગત 14 ઓક્ટોમ્બર 2024ના રોજ જિલ્લા કલેકટર દ્વારા બંને લેન્ડ ગ્રેબિંગનો હુકમ કર્યો હતો પરંતુ આ બંને હુકમને બે મહિના જેટલો સમય વીતી ગયો છતાં પણ મુળી મલ્મલતદાર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર જિલ્લા કલેક્ટર દ્વારા કરેલ લેન્ડ ગ્રેબિંગના હુકમને દબાવી રાખી સરકારી જમીન પર કબજો કરનાર ઇસમોને રીતસરનું પ્રોત્સાહન પૂરું પાડતા હોય તેવું નજરે પડી રહ્યું છે. જ્યારે બંને અરજદારો દ્વારા અનેક વખત જિલ્લા કલેક્ટરના હુકમ અંગે મુળી મામલતદારને કામગીરી કરવા જણાવતા મામલતદાર દ્વારા ગલ્લા તલ્લા કરી અરજદારોને હાંકી કાઢે છે જેથી સ્પષ્ટ રીતે મુળી મામલતદાર જિલ્લા કલેક્ટરના હુકમનું પણ અંદર કરતા હોય તેવું સાબિત થયું છે.