મોરબી પોલીસમાં ફરજ નિભાવતા પોલીસકર્મી જ ખનીજ માફિયા?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસા, રેતી, પથ્થર, સફેદ માટી, ફાયર કલે, બ્લેક ટ્રેપ સહિતનું ખનિજ ભરપૂર માત્રામાં છે અને આ ખનિજ દરરોજ હજારો ટન જેટલું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે ત્યારે આ ખનીજનો જથ્થો ખનન કરતા ખનિજ માફીયાઓ સાથે હવે ખાખીધારી પણ ખનિજ માફિયા બની ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં મૂળી તાલુકાના દુધઈ ગામે સરકારી પડતર જમીન પર કેટલાક ઈસમો સફેદ માટીનું ખનન કરતા હતા જે અંગે દુધઈ ગામના સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ગેરકાયદેસર ખનન અંગે રજૂઆત કરતાને મોરબી પોલીસ તરીકેની ફરજ બજાવતા અજીતસિંહ ડાભી દ્વારા ટેલીફોનીક સંપર્ક કર્યો હતો અને પોતે મોરબી પોલીસમાં હોવાની ઓળખ આપી આ દુધઈ ગામની એક હેક્ટર જમીન પોતે રાખી છે અને ત્યાં સફેદ માટીનું ખનન પોતે જ કરતા હોવાનું સ્વીકાર્યું હતું. આ તરફ પોલીસ કર્મચારી અજીતસિંહ ડાભી અમદાવાદ ખાતેથી 1.80 લાખમાં હિટાચી મશીન ભાડે લાવ્યા હોવાનો ઉલ્લેખ કરી રહ્યા છે. એટલે કે મૂળ કળમાદ ગામના અને મોરબી ખાતે પોલીસમાં ફરજ બજાવતા પોતે જ પોલીસ કર્મચારી સફેદ માટીનું ગેરકાયદેસર ખનન કરતા હોવાનું સ્વીકારી રહ્યા હતા આ ટેલીફોનીક વાતચીત અંગેનો ઓડિયો પણ “ખાસ-ખબર” પાસે છે જેમાં પોતે વર્ષોથી સફેદ માટીનું ધંધો કરતા હોવાનું જણાવી સફેદ માટીનું ગેરકાયદેસર ખનન યથાવત રહેવા માટે પણ જણાવ્યું છે. ત્યારે હવે ખનિજનું ગેરકાયદેસર ખનન કરતા ખનિજ માફિયાઓને રોકવાની જેઓને ફરજ છે તેવા પોલીસ કર્મચારીઓ જ પોતે “ખાખીધારી” ખનિજ માફિયા બનીને ખનિજ ચોરી કરી રહ્યા છે જેથી સામાન્ય લોકો હવે રજૂઆત પણ કોને કરવા જશે ? તેવો સવાલ પણ અહીં ઉભો થઈ રહ્યો છે