જાગૃત નાગરિકે ઉચ્ચસ્તરીય તપાસની લેખિત રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
- Advertisement -
ધ્રાંગધ્રા ખાતે હાઉસિંગ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા કમ્પાઉન્ડ વોલના કામમાં ગંભીર અનિયમિતતા અને વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. શહેરના એક જાગૃત નાગરિક દ્વારા આ અંગે પુરાવાઓ સાથે ગાંધીનગરના હાઉસિંગ વિભાગ તેમજ છેક મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યા અનુસાર, કમ્પાઉન્ડ વોલ માટે જમીનમાં કરવામાં આવેલા સિમેન્ટના પાટામાં જરૂરી મુજબ કોઈપણ પ્રકારના લોખંડ (રીનફોર્સમેન્ટ)નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઉપરાંત, કમ્પાઉન્ડ વોલ માટે ઊભી કરવામાં આવેલી દીવાલોમાં હલકી અને નબળી ગુણવત્તાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. પથ્થરોને માત્ર ગોઠવી ઉપરથી સિમેન્ટ ઢોળી દેવામાં આવતું હોવાના દૃશ્યો અને પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, આશરે એક હજાર મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામમાં ટેન્ડરની શરતો મુજબ કામગીરી ન થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નિયમ મુજબ કામ દરમિયાન સરકાર તરફથી નિયત કરાયેલ એન્જિનિયર અથવા જવાબદાર કર્મચારી હાજર રહેવો જરૂરી હોવા છતાં તેઓ સ્થળ પર હાજર ન રહેતા હોવાનું જણાવાયું છે. એટલું જ નહીં, કોન્ટ્રાકટર કે સુપરવાઈઝર દ્વારા પણ કામની દેખરેખ રાખવામાં ન આવતી હોવાના કારણે શ્રમિકો મનસ્વી રીતે, લોટ-પાણી અને લાકડા જેવી બેદરકારીથી કામ કરતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. જાગૃત નાગરિકે જણાવ્યું છે કે આવી બેદરકારી અને ભ્રષ્ટાચારથી સરકારના નાણાંનો દુરુપયોગ થવાની સાથે ભવિષ્યમાં કમ્પાઉન્ડ વોલની મજબૂતી અને સલામતી પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થાય છે. તેથી સમગ્ર મામલે તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.



