રાજસ્થાનમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થતાં પોલીસે સ્થાનિક નેતાના દબાણને વશ થઈ મહિલા તબીબ સામે સીધેસીધી હત્યાની કલમ ઉમેરી દેતાં ગભરાયેલા ડો.અર્ચના શર્માએ આપઘાત કરી લીધો હતો.
તાજેતરમાં જ રાજસ્થાનના દૌસામાં ડો.અર્ચના શર્માએ પોતાની ઉપર હત્યાની કલમ લગાવવામાં આવતાં ગભરાઈ જઈને આપઘાત કરી લેતાં આખા દેશના તબીબોમાં રોષ ફાટી નીકળ્યો છે.
દરમિયાન આજે આ ઘટનાના વિરોધમાં નેશનલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આખા દેશની ખાનગી હોસ્પિટલોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની તમામ ખાનગી હોસ્પિટલો સવારે 8થી 6 વાગ્યા સુધી બંધ પાળશે. જો કે ઈમરજન્સી સેવાઓ ચાલું રહેશે.આ અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-રાજકોટના પ્રમુખ ડો.સંજય ભટ્ટે જણાવ્યું કે રાજસ્થાનના દૌસાની ખાનગી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તબીબ તરીકે કાર્યરત ડો.અર્ચના શર્મા સારવાર કરી રહ્યા હતા તે દરમિયાન એક દર્દીનું મૃત્યુ થતાં હોસ્પિટલ ઉપર મૃતકના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારી બદલ દર્દીનું મૃત્યુ થયાનો આક્ષેપ કરી જોરદાર હોબાળો મચાવ્યો હતો. આ પછી પોલીસ પણ હોસ્પિટલે ખાતે દોડી ગઈ હતી. ત્યારબાદ સ્થાનિક નેતાઓ અને વિસ્તારના બાહુબલી ગણાતાં લોકો દ્વારા પોલીસ ઉપર મહિલા તબીબ ડો.અર્ચના શર્મા ઉપર હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવા દબાણ કરવામાં આવતાં પોલીસે દબાણવશ થઈને હત્યાની કલમ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.પોતાની ઉપર હત્યા જેવી સંગીન કલમ ઉમેરાતાં ડો.અર્ચના શર્મા ગભરાઈ ગયા હતા અને અત્યંત તણાવમાં મુકાઈ જવા પામ્યા હતા અને આ તણાવને કારણે જ તેમણે આપઘાત કરી લેતાં આખા દેશના ડોક્ટરોમાં સોપો પડી જવા પામ્યો હતો. ડો.ભટ્ટે ઉમેર્યું કે સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ ચુકાદો છે કે કોઈ પણ તબીબની ધરપકડ કે તેમના ઉપર ગુનો નોંધતાં પહેલાં આખા મામલાની બારીકાઈથી તપાસ કરવી જરૂરી છે.
- Advertisement -
જો ડોક્ટર તપાસમાં સહકાર ન આપી રહ્યા હોય તો જ તેમની ધરપકડ કરવી જોઈએ પરંતુ આ કેસમાં પોલીસે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અનાદર કરીને સીધેસીધી હત્યાની કલમ ઉમેરી દેતાં ડો.અર્ચના શર્માએ અંતિમ પગલું ભરી લીધું હતું.
આ ઘટનાને કારણે આખા દેશના તબીબો ભય હેઠળ કામ કરી રહ્યા હોય નેશનલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે દેશની તમામ ખાનગી હોસ્પિટલો સવારે 8થી 6 વાગ્યા સુધી બંધ પાળશે તેવો આદેશ આપવામાં આવતાં આ આદેશનું પાલન રાજકોટ સહિત સૌરાષ્ટ્રની આઈએમએ સાથે જોડાયેલી તમામ હોસ્પિટલો કરી રહી છે.
એકંદરે બંધ પાળી તમામ હોસ્પિટલો દ્વારા ડો.અર્ચના શર્માને શ્રદ્ધાંજલિ પણ પાઠવશે. આ ઘટના બન્યા બાદ દેશમાં કાર્યરત ઈન્ડિયન મેડિકલ એસો.ની દરેક શાખા દ્વારા કલેક્ટરને આવેદન પણ પાઠવવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.



