3 ઓબ્ઝર્વરની દેખરેખ હેઠળ પોલિટેકનિક કોલેજના 4 બ્લોકમાં મતગણતરી યોજાનાર છે
પોલિટેકનિક કોલેજ મત ગણતરી દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા : મત ગણતરી કેન્દ્ર ખાતે ત્રણ લેયર સિક્યોરિટી બંદોબસ્ત ગોઠવવામાં આવશે
- Advertisement -
જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે યોજાનાર મત ગણતરી અંગે માહિતી આપી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.3
પોરબંદર લોકસભામાં સમાવિષ્ટ 73-ગોંડલ, 74-જેતપુર, 75-ધોરાજી, 83-પોરબંદર, 84-કુતિયાણા, 85-માણાવદર, 88-કેશોદ સહિતની વિધાનસભા ઉપરાંત માણાવદર અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીનું આયોજન પોરબંદર શહેરમાં આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે કરવામાં આવશે. તા. 4 જૂનના સવારે 8 કલાકેથી મત ગણતરી શરૂ થશે. આ મતગણતરીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે યોજાનાર મત ગણતરી અંગે માહિતી આપી છે. જિલ્લા ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ 3 ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં પોલિટેકનિક કોલેજના 4 બ્લોકમાં મતગણતરી યોજાનાર છે. ટી.એન. વેંકેટેશ, ચંદ્રન વી. અને અરૂણ બાબુરાવ આનંદકરની ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે અ.ઇ.ઈ અને ઋ બ્લોક એમ 4 બ્લોકમાં કાઉન્ટિંગ પ્રક્રિયા થનાર છે. અ. બ્લોકમાં જેતપુર, ધોરાજી અને કુતિયાણા, ઇ. બ્લોકમાં પ્રથમ માળ ખાતે પોરબંદર લોકસભા અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ ગ્રાઉન્ડ ફ્લોર ખાતે માણાવદરની લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી થનાર છે.
- Advertisement -
તેમજ ઈ. બ્લોકમાં કેશોદ અને ઉ. બ્લોકમાં ગોંડલની મતગણતરી થનાર છે.લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ દરેક વિધાનસભાના 14 કાઉન્ટિંગ ટેબલ ઉપર અલગ અલગ રાઉન્ડમાં મતગણતરીનું આયોજન કરાયું છે.તેમજ પોસ્ટલ બેલેટની ગણતરી માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગોંડલ – 17, જેતપુર – 22, ધોરાજી – 19, પોરબંદર – 18, કુતિયાણા – 17, માણાવદર – 20, અને કેશોદ – 18 રાઉન્ડમાં મતગણતરી યોજાનાર છે.પોલિટેકનિક કોલેજ મત ગણતરી દરમિયાન પોલીસ સાવણીમાં ફેરવાશે. મત ગણતરી કેન્દ્ર ખાતે ત્રણ લેયર સિક્યોરિટી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સરકારી પોલીટેકનીક કોલેજના પ્રવેશ ગેટથી પોલીસ દ્વારા જરૂરી આઈ કાર્ડ અને ફ્રીસ્કિંગની કામગીરી બાદ અધિકૃત વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે.165 કાઉન્ટિંગ સુપરવાઇઝર, 183 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, 160 માઇક્રો ઓબ્ઝર્વર અને 34 એઆરઓ ફરજ પર રહેશે. તેમજ પોરબંદર નગરપાલિકાનું મીની ફાયર ફાઈટર ફાયર કર્મચારીઓ સાથે સ્ટેન્ડ બાય કાઉન્ટિંગ સેન્ટર ખાતે રખાશે.
તમામ સ્ટાફ તથા ચૂંટણી એજન્ટ તેમજ મીડિયા પર્સન્સએ જરૂરી ચૂંટણી અંગે ઇસીઆઇ દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ આઈકાર્ડ સાથે અન્ય ઓળખકાર્ડના પુરાવા રાખવા રહેશે. મેઇન ગેટથી પ્રવેશ મેળવતી વખતે ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓ સાથે લઈ આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. મીડિયા પર્સન્સ દ્વારા વિડીયો રેકોર્ડિંગ માટે હેન્ડીકેમ્પનો ઉપયોગ કરવાનો રહેશે. કોઈપણ સંજોગોમાં મોબાઈલ કે સ્ટેન્ડ વાળા કેમેરાથી વિડીયો રેકોર્ડિંગની અનુમતિ આપવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે. ઉપરાંત જિલ્લા સેવા સદન-1 કમ્પાઉન્ડ ખાતે સ્ટાફ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ઉમેદવારો રાજકીય પક્ષો માટે એન.કે. મહેતા હોસ્પિટલ કમ્પાઉન્ડ એરપોર્ટ સામે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.
4 જુને પોલિટેકનિક કોલેજ ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે
પોરબંદર લોકસભા અને માણાવદર તથા પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરીમાં સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, જેમાં જિલ્લા પોલીસ વડા સહિત 7 ડિવાયએસપી, 11 પીઆઇ, 47 પીએસઆઈ, 390 એએસઆઇ – કોન્સ્ટેબલ, 42 એસઆરપી, 48 સીઆરપીએફ ફરજ પર તૈનાત રહેશે. મીડિયા રૂમની સાથે મેડિકલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. હીટવેવના કારણે મેડિકલ રૂમ કાર્યરત કરી જરૂરી સામગ્રી, દવા અને તબીબી ટીમ તથા પૂરતા પ્રમાણમાં ઓઆરએસનો જથ્થો ઉલબ્ધ કરાશે.