જૈનમના તબીબ સભ્યો ફ્લોટ સુશોભન નિર્ણાયક તરીકે સેવા આપશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
છેલ્લા નવ વર્ષથી જૈનમના સથવારે રાજકોટનો જૈન સમાજ જેની રંગેચંગે ઉજવણી કરે છે તે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ આગામી તા. 10-4 ને ગુરૂવારના રોજ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટની અઢારેય આલમ કે જેમાં વિવિધ જ્ઞાતિ, ધર્મ અને સંપ્રદાયના લોકો સંકળાયેલા છે તથા અનેક સામાજિક સંસ્થાઓના આગેવાનો, વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે સંકળાયેલા આગેવાનો તથા યુવા દંપતિ સભ્યો આ વર્ષે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે ધર્મયાત્રા દરમિયાન ઠેર ઠેર ભગવાનના અક્ષતથી વધામણાં કરશે.
- Advertisement -
દર વર્ષની માફક આ વખતે પણ સમગ્ર રૂટ ઉપર અઢારેય આલમ ઉપરાંત યુવા દંપતિ સભ્યો પણ ભગવાનના અક્ષત વધામણાં કરવાના છે, યુવા દંપતિઓ કે જેઓ પોતાના જીવન સંસારની શરૂઆત કરી રહ્યા છે તેમને આખા વિશ્ર્વને અહિંસા પરમો ધર્મનો તથા સર્વ જીવોનો કલ્યાણનો સંદેશો આપતા ભગવાન મહાવીરના વૈશ્ર્વિક સંદેશને જો પોતાના વૈવાહિક જીવન, સામાજિક જીવનમાં ઉતરે તો જીવન મહામૂલુ બની જાય, આ યુવા દંપતિઓ સજોડે તેમના પરિવારજનો સાથે હાજર રહી ભગવાન મહાવીરના વધામણા કરશે તથા દર્શનીય તથા જોવાલાયક ધર્મયાત્રાને નિહાળશે.
આ તકે વિવિધ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ, જ્ઞાતિગત સંસ્થાઓના આગેવાનો, કાર્યકરો તેમજ વિવિધ રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ, અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ધર્મયાત્રામાં 27થી વધુ ફ્લોટ જોડાવાના છે. આ સુશોભનમાં વૈવિધ્યતા આવે અને ઉત્સાહ જળવાઈ રહે તે માટે એક સુશોભન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લોટ સુશોભન સ્પર્ધાના નિર્ણાયક તરીકે જૈનમ પરિવારના ડોકટર સભ્ય ડો. રાજુભાઈ કોઠારી, ડો. પારસભાઈ ડી. શાહ, ડો. અમીતભાઈ હપાણી, ડો. હીરેનભાઈ કોઠારી, ડો. પારસભાઈ પી. શાહ, ડો. જયભાઈ તુરખીયા, ડો. શ્રેણીકભાઈ દોશી, ડો. કરણભાઈ ભરવાડા વિગેરે પોતાની સેવા આપવાના છે.
આજરોજ જૈન તેમજ જૈનેતરો જેમાં સામેલ થઈ શકે તેવી રંગોળી સ્પર્ધાનું આયોજન થવાનું છે. આજરોજ સાંજે 4-00 કલાકે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, આકાશવાણી સામે, રેસકોર્સ પાસે, રાજકોટ આયોજિત આ સ્પર્ધામાં 40થી વધુ સ્પર્ધકો પોતાની રંગોળીની કલા દ્વારા ભગવાન મહાવીરના જીવન પાત્રોને સજીવન કરશે. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન અનુજાબેન અંકુરભાઈ શાહ, ચાર્મીબેન કરણભાઈ શાહ, સીમાબેન નિલેશભાઈ દેસાઈ, સેજલબેન દિવ્યેશભાઈ જસાણી દ્વારા કરવામાં આવનાર છે. આવતીકાલે તા. 6 ને રવિવારના રોજ આવી જ એક બાળકો ઉપરાંત તમામ વયના લોકોને પસંદ પડે તેવી ચિત્ર સ્પર્ધાનું આયોજન આ સ્થળ ઉપર થવાનું છે, જેનું ઉદ્ઘાટન આવતીકાલે બપોરે 4-00 કલાકે કાનનબેન જીતુભાઈ દેસાઈ, જાગૃતિબેન કમલેશભાઈ શાહ, ડો. બબીતાબેન અમીતભાઈ હપાણી, બીનાબેન અનીષભાઈ વાધરે દ્વારા કરવામાં આવનાર છે. તા. 6થી 9 સુધી સ્પર્ધાનું સ્થળ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, આકાશવાણી સામે, રેસકોર્સ પાસે, રાજકોટ ખાતે રોજ સાંજે 5થી રાત્રે 10 દરમિયાન આ આકૃતિઓને નિહાળી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો લાભ લેવા જૈન સમાજ તથા શહેરીજનોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે યુવા દંપતિ હીલોની તથા મીહીર વિભાશભાઈ શાહ, ચિરાગ ઉદાણી, ધાર્મિ કામીનભાઈ દોશી તથા 18 આલમને મહોત્સવમાં જોડાવવા માટે જવાબદારી સંભાળતી કમિટીના સભ્ય નિલેશભાઈ શાહ, રાજેશભાઈ મોદી, ભરતભાઈ દોશી, બી. કે. શાહ, મનીષભાઈ મહેતા, દીશીતભાઈ મહેતા, કલ્પેશભાઈ વખારીયા, સંદીપભાઈ સંઘવી, અમીતભાઈ લાખાણી હાજર રહ્યા હતા.



