જાહેરાત મુદ્દે પતંજલિ વિવાદમાં: દિલ્હી હાઈકોર્ટે ‘ફ્રોડ’ શબ્દ પર સવાલ ઉઠાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.07
બાબા રામદેવની કંપની પતંજલિ તેની નવી ’પતંજલિ સ્પેશિયલ ચ્યવનપ્રાશ’ જાહેરાતને લઈને ફરી એકવાર વિવાદમાં ફસાઈ છે. આ જાહેરાતમાં અન્ય કંપનીઓની બ્રાન્ડ્સને “છેતરપિંડી” (’ફ્રોડ’) ગણાવતા, ડાબર ઈન્ડિયાએ પતંજલિ સામે માનહાનિ અને અન્યાયી સ્પર્ધાનો દાવો દાખલ કર્યો છે.
- Advertisement -
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે (6 નવેમ્બર) આ કેસની સુનાવણી કરી. જસ્ટિસ તેજસ કારિયાની આગેવાની હેઠળની બેન્ચે પતંજલિના વરિષ્ઠ વકીલને સવાલ કર્યો. કોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો કે જાહેરાતમાં અન્ય બ્રાન્ડ્સ સામે “છેતરપિંડી” શબ્દનો ઉપયોગ ખોટો હતો, કારણ કે તે નકારાત્મક અને અપમાનજનક છે.
કોર્ટે કહ્યું, “તમે બીજા બધા ચ્યવનપ્રાશને ફ્રોડ કેવી રીતે કહી શકો? ઓછી ગુણવત્તાવાળો કહી શકો, પણ ફ્રોડ તો ના કહો… શું તમને શબ્દકોશમાં ફ્રોડ સિવાય બીજો કોઈ શબ્દ નથી મળતો?” કોર્ટે ’છેતરપિંડી’ શબ્દના ઉપયોગ પર નારાજગી વ્યક્ત કરી હતી.
જાહેરાત કેસમાં ડાબરે દલીલ કરી કે ’છેતરપિંડી’ શબ્દ પોતે જ અપમાનજનક છે અને તે બધી બ્રાન્ડ્સને બદનામ કરે છે. વરિષ્ઠ વકીલ સંદીપ સેઠીએ કહ્યું કે બાબા રામદેવ જેવા યોગ ગુરુ તરફથી આ શબ્દ વધુ ગંભીર બની જાય છે, જેમને સત્યનું પ્રતીક માનવામાં આવે છે. ડાબર 1949થી ચ્યવનપ્રાશ બજારમાં છે અને 61% બજાર હિસ્સો ધરાવે છે.
- Advertisement -
હાલમાં, કોર્ટે જાહેરાત પર વચગાળાનો સ્ટે આપવો કે નહીં તે અંગેનો નિર્ણય અનામત રાખ્યો છે.



