મીઠાના નુરભાડાથી કરોડો કમાણી છતાં પ્રાથમિક સુવિધાઓ વિહોણું રેલ્વે સ્ટેશન: મહિલાઓને પણ થતી હાલાકી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
હળવદ રેલ્વે સ્ટેશન મુસાફરો માટે પ્રાથમિક સુવિધાઓની ગંભીર અછતને કારણે ચર્ચામાં આવ્યું છે. તાજેતરમાં સ્ટેશનના શૌચાલયોને અલીગઢના તાળા મારી બંધ રાખવામાં આવ્યા હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હળવદ પંથકમાં મીઠાના નુરાભાડા મારફતે રેલ્વે તંત્રને દર વર્ષે કરોડો રૂપિયાની આવક થતી હોવા છતાં સ્ટેશન પરની સુવિધાઓ અતિ નબળી હાલતમાં છે. પાણીની વ્યવસ્થા, પંખા, બાકડાં, પ્લેટફોર્મ અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ હોવા છતાં તે લોકોના ઉપયોગ માટે ઉપલબ્ધ નથી. દિવસ-રાત મુસાફરોની અવરજવર ચાલતી હોવા છતાં શૌચાલય પર તાળા મારવામાં આવ્યા હોવાથી, ખાસ કરીને મહિલા મુસાફરોને ભારે તકલીફ પડી રહી છે. જાગૃત નાગરિક મોતીલાલે જણાવ્યું કે, હળવદ રેલ્વે સ્ટેશનમાં શૌચાલયોને તાળા મારી દેવામાં આવ્યા છે. જેના કારણે મુસાફરોને જાહેરમાં શૌચક્રિયા કરવી પડે છે – જે નાગરિક સુવિધાઓ માટે શરમજનક બાબત છે. મુસાફરોમાં આ મુદ્દે રોષ ફાટી નીકળ્યો છે અને તેઓએ રેલ્વે તંત્રને તરત જ શૌચાલયોના તાળા ખોલીને લોકઉપયોગી બનાવવા માટે માંગણી કરી છે. સ્થાનિક નાગરિકોનું માનવું છે કે, હળવદ જેવું મહત્વનું રેલ્વે સ્ટેશન જો આ રીતે સુવિધાઓ વિહોણું રહેશે તો રેલ્વે તંત્રની છબી પર પણ પ્રશ્નચિહ્ન ઉભું થશે.



