મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અજિત પવારના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા પર હવે સુનેત્રા પવારની વરણી કરવામાં આવી છે. એનસીપી (NCP) વિધાયક દળની બેઠકમાં સુનેત્રા પવારને સર્વસંમતિથી નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે.
ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
- Advertisement -
શનિવારે વિધાન ભવન ખાતે એનસીપીના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વરિષ્ઠ નેતા દિલીપ વલસે પાટીલે વિધાયક દળના નેતા તરીકે સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી ટેકો આપ્યો હતો. આ નિર્ણય બાદ સુનેત્રા પવાર મહારાષ્ટ્રના આગામી મહિલા નાયબ મુખ્યમંત્રી બને તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
દિવંગત અજિત પવારને શ્રદ્ધાંજલિ
બેઠકની શરૂઆત પહેલા તમામ નેતાઓએ દિવંગત અજિત પવારના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. એનસીપી નેતા સુનિલ તટકરેએ જણાવ્યું હતું કે અજિત દાદાની અસ્થિઓ આખા મહારાષ્ટ્રમાં ફેરવવામાં આવશે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય પક્ષની આગામી રણનીતિ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.
- Advertisement -
શરદ પવારની પ્રતિક્રિયા
સુનેત્રા પવારની આ નિમણૂક અંગે જ્યારે શરદ પવારને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, “મને આ બાબતે કોઈ જાણકારી નથી”. સુનેત્રા પવારની તાજપોશી પહેલા તેમની શરદ પવાર સાથે મુલાકાત થવાની હતી, પરંતુ તે પહેલા જ પક્ષે આ નિર્ણય લઈ લેતા પવાર પરિવારના વડા નારાજ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
નવી રાજકીય ઈનિંગની શરૂઆત
સુનેત્રા પવાર હાલમાં રાજ્યસભાના સાંસદ છે અને હવે વિધાયક દળના નેતા બન્યા બાદ રાજ્યના વહીવટમાં તેમની ભૂમિકા અહમ બની રહેશે. પ્રફુલ્લ પટેલ અને સુનિલ તટકરે જેવા દિગ્ગજ નેતાઓની હાજરીમાં લેવાયેલા આ નિર્ણયથી મહારાષ્ટ્રના રાજકારણમાં શક્તિ સંતુલન બદલાય તેવી પૂરેપૂરી સંભાવના છે.




