વોર્ડ નં.8ના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લાં ત્રણ માસથી ચાલતા આ ગેરકાયદે બાંધકામ સામે મનપા કમિશનર શા માટે ચૂપ? : અનેક રજૂઆતો છતાં તંત્રએ મૌન સેવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના વોર્ડ નં. 8માં ભ્રષ્ટ અધિકારીઓની મીઠી નજર હેઠળ છેલ્લાં ત્રણ માસથી ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. દેશના વડાપ્રધાનથી માંડીને રાજકોટ મનપા કમિશનર સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી છે છતાં પણ આજદિન સુધી આ બાંધકામ લાગતાવળગતા અધિકારીઓ દ્વારા શા માટે અટકાવવામાં આવ્યું નથી તે અંગે અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.
- Advertisement -
વધુમાં આ અંગે ફરિયાદ કરતાં ટી.પી. શાખાના અધિકારી અજય વેગડે ઉડાઉ જવાબ આપતાં કહ્યું કે બાંધકામ રોકાશે નહીં, જે થાય તે કરી લ્યો! તદ્ઉપરાંત છેલ્લાં ત્રણ મહિનાથી વોર્ડ નંબર 8માં ગુજરાત હાઉસીંગ બોર્ડ શેરી નં. 6માં બ્લોક નંબર એલ-24 ‘જગદીશ’ નામના મકાનમાં આ બાંધકામ થઈ રહ્યું છે. આર.એમ.સી.ના જે-જે વિભાગોને આ અનઅધિકૃત બાંધકામ અંગેની ફરિયાદ કરી છે છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી તથા આ અંગે જો આજુબાજુમાં રહેતાં લોકોને આર્થિક કે શારીરિક નુકસાન થશે તો જવાબદારી કોર્પોરેશન તંત્રની રહેશે અને નાછૂટકે અદાલતના દરવાજા ખટખટાવવા પડશે તેવી ચિમકી અરજદારે ઉચ્ચારી હતી. આ મકાનના ફ્રન્ટના માર્જિનમાં જે જગ્યા ઓપન ટુ સ્કાય રાખવાની ફરજિયાત છે તેમાં ગેરકાયદે સ્લેબ ભરીને અરજદારની સાઈડની બાજુ કમ્પાઉન્ડ વોલ આશરે 15 ફુટ હાઈટની કરી છે, જેનાથી પાસેના મકાનના હવા ઉજાસ રોકાઈ જાય છે એટલું જ નહીં પરંતુ સ્લેબ ભરી રોડ ટચ ટુ ટચ રૂમનું તેમજ દાદરાનું ચણતર કરવામાં આવ્યું છે. આમ આ મકાનમાં સ્લેબ, કમ્પાઉન્ડ વોલ, રૂમ અને દાદરો આ બધું જ બાંધકામ ગેરકાયદેસર છે અને નિયમ વિરૂદ્ધ બાંધકામની ફરિયાદ ફોટા અને આધાર પુરાવા સાથે આર.એમ.સી. કમિશનર, મેયર અને તકેદારી આયોગને તથા આર.એમ.સી.ના કમ્પ્લેન નંબર પર વિડીયો અને ફોટોગ્રાફ સાથે અરજદારે રજૂ કર્યાં છે છતાં ક્યા કારણોસર કાર્યવાહી કરવામાં આવતી નથી? એ એક મોટો પ્રશ્ર્ન છે. શું અધિકારીઓની મિલીભગત હોઈ શકે? શું અધિકારીઓ વેંચાઈ ગયા હશે? તેવા અનેક પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. વધુમાં વોર્ડ નં. 8માં ‘જગદીશ’ નામના મકાનમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. આ અંગે એક અરજદારે કમિશનરને રજૂઆત કરી હતી પરંતુ શા માટે મ્યુ. કમિશનર અમિત અરોરાને રજૂઆત કરી આ અનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ટી.પી. શાખાને આદેશ આપતાં નથી? શું આ ગેરકાયદે બાંધકામ કરવા પ્રોત્સાહન આપી અનુચિત કાર્યવાહીને મંજૂરી આપી દીધી છે તે ખરેખર નિંદનીય છે. આવી બાબતોથી સ્પષ્ટ થાય છે કે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામને છાવરવા ભ્રષ્ટાચારનો આશરો લેવામાં આવી રહ્યો છે. આ ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ સતત ઓનલાઈન ત્રણ મહિનાથી કરવામાં આવી રહી છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તથા આજદિન સુધી આર.એમ.સી. તરફથી લેખિત ફરિયાદનો જવાબ મળ્યો નથી. આ ત્રણ માસ દરમિયાન એવું તે શું રહસ્ય ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કરવામાં આવ્યું? ક્યા નિયમના આધારે બાંધકામ દૂર કરવામાં આવ્યું નથી? તો આ રહસ્યનો ભેદ આર.એમ.સી. ટાઉન પ્લાનિંગ વિભાગ પાડી શકે છતાં પણ આજદિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતાં અનેક સવાલો મનપાના અધિકારીઓ સામે ઉઠી રહ્યા છે.
બાંધકામ નહીં જ અટકાવાય, થાય તે કરી લ્યો: ટી.પી. શાખાના અધિકારીનો ઉડાઉ જવાબ
વોર્ડ નં. 8માં હાઉસીંગ બોર્ડ શેરી નં. 6માં ‘જગદીશ’ નામના મકાનમાં છેલ્લાં ત્રણ મહિનાથી પ્લાનિંગ વગરનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે અરજદારે મનપાની વેસ્ટ ઝોન શાખા ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ઓફિસર અજય વેગડને આ અંગે જાણ કરી હતી ત્યારે વેગડે કહ્યું કે બાંધકામ અટકશે નહીં. શું આ યોગ્ય ઉત્તર કહેવાય? શા માટે અધિકારીઓ છાવરી રહ્યા છે? તે અંગે અનેક પ્રશ્ર્નો ઊઠી રહ્યા છે.