આશા ભોસલે 92 વરસની જૈફ વયે એક 22 વરસની સિંગર જેટલા જુસ્સા અને લગનીથી ગીતો ગાય છે. તેઓ ફિજીકલી જેટલા ફિટ છે એટલા જ વિચારોથી પ્રોગ્રેસિવ (પ્રતિશીલ) છે. ક્યારેક એવું પણ લાગે કે જાજરમાન મંગેશકર પરિવારના આ મહિલા સમય કરતા પણ આગળ વિચારે છે. વર્સેટાઈલ ગાયિકા નવા આઇડિયાઝ અને ટ્રેન્ડ્સને અપનાવવા હમેશા તૈયાર હોય છે. એનો એક તાજો દાખલો જોઈએ. ઘણાં મ્યુઝિશિયન્સ એવી ફરિયાદ કરે છે કે આ રીલ કલ્ચરે સંગીતને વામણું બનાવી દીધું છે. આજે સંગીત એટલે માત્ર બધાનું ધ્યાન ખેંચતી શોર્ટ ક્લિપ્સ. રીલ કલ્ચર ધુનના ઊંડાણ અને એની નજાકત પર છવાઈ જાય છે. જ્યારે લિજેન્ડરી સિંગર આશાજી આ નવા ટ્રેન્ડને ભરપુર પોજિટિવિટી સાથે આવકારતા કહે છે, ‘રીલ કલ્ચરને લીધે યુવાન શ્રોતાઓ નવા અને ક્લાસિકલ સંગીતના પરિચયમાં આવી રહ્યા છે.
અલબત્ત, મ્યુઝિકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (એઆઈ)ના ઉપયોગ બાબતમાં એવરગ્રીન સિંગરના વિચારો જુદા છે. એઆઈ મ્યુઝિશિયન્સની ક્રિએટિવિટીમાં અવરોધક બની શકે છે એવું માનતા આશા ભોસલે કહે છે, ‘એઆઈથી નકલ કરી ગવાયેલા ગાયકોના ગીતો જો ઝડપથી ફેલાઈ રહ્યા છે એનાથી ઊભરતા સિંગરોના કરિયર પર માઠી અસર થશે. એઆઈ દિગ્ગજ સિંગરોની આબેહુબ નકલ કરીને એમના ગીતો ગાશે નવા ગાયકોને ઇન્ડસ્ટ્રીમાં બ્રેક જ નહિ મળે. આ એઆઈ નવી ઊભરતી પ્રતિભા (ટેલેન્ટ) અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે. એને પગલે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી એક ક્લોનિંગ બિઝનેસ બની જઈ શકે. પછી તો માત્ર પહેલેથી મોજુદ શૈલી અને સ્વરોને નવુ વરખ ચડાવી મુકવાનું જ કામ થશે. એ સંજોગોમાં સંગીતની દુનિયાને નવા આધુનિક સિંગર્સ અને મ્યુઝિકશિયન્સ પાસેથી અનોખું ક્રિએટીવ સંગીત મળતું જ અટકી જશે. નવી ક્રિએટીવ ટેલેન્ટ ગુંગળાઈ જશે.