જૂનાગઢની આલ્ફા સ્કૂલ હોસ્ટેલના વિદ્યાર્થીને માર મારવાનો મામલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢની આલ્ફા ઇન્ટર નેશનલ સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ 12-સાયન્સમાં અભ્યાસ કરતા ઉપલેટાના એક આહીર સમાજના વિદ્યાર્થી પર થયેલા હુમલા અને મારામારીની ઘટનાને વખોડી કાઢવા માટે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં હુમલા માટે જવાબદાર સંચાલકો અને વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
- Advertisement -
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આહીર સમાજ અને અન્ય સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમણે જણાવ્યું હતું કે આવી ગંભીર ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે તાત્કાલિક પગલાં ભરવા અત્યંત જરૂરી છે. આવેદનપત્રમાં મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રીને સંબોધીને રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્ર આપવા આવેલા આગેવાનોએ જણાવ્યું કે જો આજે આ ઘટના સામે પગલાં લેવામાં નહીં આવે, તો આવતીકાલે અન્ય વિદ્યાર્થીઓ પણ આવી હિંસાનો ભોગ બની શકે છે. તેથી, આવા બનાવોને શરૂઆતમાં જ ડામી દેવા માટે કડક કાર્યવાહી કરવી અનિવાર્ય છે. આ આવેદનપત્ર દ્વારા, વિદ્યાર્થી પર ઢોર માર મારવાના કૃત્યમાં સામેલ તમામ લોકો સામે સખત પગલાં ભરવાની માંગણી કરી, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સુરક્ષાની ભાવના સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.