સૌરાષ્ટ્રના ક્રિકેટરસિકો થઈ જાઓ તૈયાર
27 સપ્ટેમ્બરને બુધવારે બપોરે 1:30 વાગ્યાથી ખંઢેરી સ્ટેડિયમ પર બન્ને ટીમ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણીનો અંતિમ મુકાબલો રમાશે: વર્લ્ડકપમાં એકેય મેચ નહીં મળતાં નિરાશ થયેલા ક્રિકેટરસિકોમાં ખુશીનો માહોલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ટીમ ઈન્ડિયાના ચાહકો અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકો માટે એક મોટી ખુશખબરી આવી રહી છે. ઑક્ટોબરથી એક એકથી ચડિયાતી ક્રિકેટ ટીમો મિશન વર્લ્ડકપમાં વ્યસ્ત થઈ જશે. જો કે તેના પહેલાં સૌરાષ્ટ્રના ક્રિકેટરસિકોને રાજકોટના આંગણે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક વન-ડે મુકાબલો નિહાળવાની તક મળશે. વર્લ્ડકપનો એકેય મુકાબલો રાજકોટને નહીં મળતાં નિરાશ થઈ ગયેલા ક્રિકેટરસિકો બીસીસીઆઈ દ્વારા રાજકોટને મહત્ત્વપૂર્ણ મેચ ફાળવવામાં આવતાં ખુશખુશાલ થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ 2023-24ના સત્ર માટે ટીમ ઈન્ડિયાના ઘરઆંગણે રમાનારા મુકાબલાઓની જાહેરાત કરી દીધી છે. ભારત પોતાના ઘરમાં 2023-24 માર્ચ સુધી વર્લ્ડકપને બાદ કરતા કુલ 16 મુકાબલા રમશે જેમાં પાંચ ટેસ્ટ, ત્રણ વન-ડે અને આઠ ટી-20 મુકાબલા સામેલ છે. ભારતીય ટીમ વર્લ્ડકપ-2023ના એક મહિના પહેલાં ઑસ્ટ્રેલિયા સામે સપ્ટેમ્બરમાં ત્રણ મેચની વન-ડે શ્રેણી રમશે. આ શ્રેણીની પહેલી વન-ડે 22 સપ્ટેમ્બરે મોહાલીમાં, બીજી વન-ડે 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં અને ત્રીજી તેમજ શ્રેણીની અંતિમ વન-ડે 27 સપ્ટેમ્બરને બુધવારે રાજકોટમાં રમાશે. આ ત્રણેય મુકાબલા 1:30 વાગ્યાથી શરૂ થશે.
આ પછી બન્ને ટીમ વર્લ્ડકપમાં વ્યસ્ત થઈ જશે જે પૂર્ણ થઈ ગયા બાદ 23 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન ભારતમાં જ બન્ને વચ્ચે પાંચ ટી-20 મુકાબલા રમાશે. આ શ્રેણીનો પહેલો મુકાબલો 23 નવેમ્બર, બીજો 26 નવેમ્બર, ત્રીજા 28 નવેમ્બર, ચોથો એક ડિસેમ્બર અને પાંચમો ત્રણ ડિસેમ્બરે રમાશે. આ પાંચેય મુકાબલા વાઈઝેગ, તિરુવનંતપુરમ, ગૌહાટી, નાગપુર અને હૈદરાબાદમાં રમાશે. ત્યારબાદ જાન્યુઆરી-2024માં અફઘાનિસ્તાન ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે ભારતનો પ્રવાસ કરશે. જેમાં પ્રથમ ટી-20 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. જ્યારે બીજી ટી-20 14 જાન્યુઆરીએ ઈન્દોર અને શ્રેણીની અંતિમ મેચ 17 જાન્યુઆરીએ બેંગ્લોરમાં રમાશે. અફઘાનિસ્તાન સામે ટી-20 શ્રેણી બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે 25 જાન્યુઆરીથી ઘરઆંગણે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે જેની પહેલી ટેસ્ટ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં શરૂ થશે. જ્યારે બીજી ટેસ્ટ 2 ફેબ્રુઆરીથી વાઈઝેગમાં, ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં, ચોથી ટેસ્ટ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં અને પાંચમી ટેસ્ટ સાત માર્ચથી ધર્મશાલામાં રમાશે.
ભારત-ઑસ્ટ્રેલિયા વન-ડે શ્રેણીનો કાર્યક્રમ
મેચ તારીખ સમય ગ્રાઉન્ડ
પ્રથમ મેચ 22 સપ્ટેમ્બર બપોરે 1:30 મોહાલી
દ્વિતિય મેચ 24 સપ્ટેમ્બર બપોરે 1:30 ઈન્દોર
તૃતિય મેચ 27 સપ્ટેમ્બર બપોરે 1:30 રાજકોટ
- Advertisement -
ભારત-ઑસ્ટ્રેલિયા ટી-20 શ્રેણીનો કાર્યક્રમ
મેચ તારીખ સમય ગ્રાઉન્ડ
પહેલી T-20 23 નવેમ્બર સાંજે 7 વાઈઝેગ
બીજી T-20 26 નવેમ્બર સાંજે 7 તિરુવનંતપુરમ
ત્રીજી T-20 28 નવેમ્બર સાંજે 7 ગૌહાટી
ચોથી T-20 1 ડિસેમ્બર સાંજે 7 નાગપુર
પાંચમી T-20 3 ડિસેમ્બર સાંજે 7 હૈદરાબાદ
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ
મેચ તારીખ ગ્રાઉન્ડ
પહેલી ટેસ્ટ 25થી 29 જાન્યુ. 2024 હૈદરાબાદ
બીજી ટેસ્ટ 2 ફેબ્રુ.થી 6 ફેબ્રુ.2024 વાઈઝેગ
ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુ.થી 19 ફેબ્રુ.2024 રાજકોટ
ચોથી ટેસ્ટ 23 ફેબ્રુ.થી 27 ફેબ્રુ.2024 રાંચી
પાંચમી ટેસ્ટ 7 માર્ચથી 11 માર્ચ 2024 ધર્મશાલા