વિંછીયા ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માન-પરેડ નિરીક્ષણ-દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમ- શ્રેષ્ઠ કર્મચારીઓનું સન્માન યોજાયા
દેશના 77મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે વિંછીયા ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને ઉપસ્થિત નાગરિકોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા પાઠવી હતી.
- Advertisement -
સ્વતંત્રતા પર્વ નિમિત્તે મંત્રી રાઘવજીભાઈ પટેલે
કલેકટર પ્રભવ જોશી અને પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડની સાથે હોમગાર્ડઝ, જી.આર.ડી. તથા પોલીસ વિભાગની પરેડનું નિરીક્ષણ કર્યું હતું તથા ઉપસ્થિત દેશપ્રેમી નાગરિકોનું અભિવાદન ઝીલ્યુ હતું. સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો મુકેશભાઈ ધીરજભાઈ રાવલ તથા જયાબેન છગનભાઈ કટારીયાનુ મંત્રી રાઘવજીભાઈ પટેલે સુતરની આંટી તથા ખાદીની શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. તથા વિછીયા તાલુકાના વિકાસ માટે રૂ. 25 લાખનો ચેક જિલ્લા કલેકટરને એનાયત કર્યો હતો.
વીછીયા એ.પી.એમ.સી. ખાતે યોજાયેલી
સ્વતંત્રતા પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત વિછીયાના દેશપ્રેમી નાગરિકોને સંબોધતા રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે આપણે આઝાદીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ, ત્યારે દેશના વિકાસમાં પ્રત્યેક ભારતીય નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે, એ જ શ્રેષ્ઠ દેશભક્તિ છે. મંત્રી રાઘવજીભાઈએ દેશની આઝાદીમાં બલિદાન આપનાર પ્રત્યેક સ્વાતંત્રસેનાનીઓને નત મસ્તકે યાદ કર્યા હતા અને દેશને આઝાદી અપાવવામાં તેમના યોગદાનનો ઋણ સ્વીકાર કર્યો હતો.
- Advertisement -
મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ નેત્રદીપક પ્રગતિ કરી રહ્યો છે ત્યારે વિશ્વમાં ભારતનું સ્થાન મોખરાનું રહે તે જોવા પ્રત્યેક ભારતીય નાગરિકે શ્રેષ્ઠ નાગરિક ધર્મ બજાવવા આગળ આવવું જોઈએ.
મંત્રી રાઘવજીભાઈ પટેલે રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓની સવિસ્તર માહિતી મંત્રીએ તેમના વક્તવ્યમાં રજૂ કરી હતી અને રાજકોટ જિલ્લાને મળેલી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાની વિવિધ ક્ષેત્રની સુવિધાઓ બદલ વડાપ્રધાન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે કુલ 45 વ્યક્તિઓને તેમના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આસ્થા વિદ્યાલય-જસદણના વિદ્યાર્થીઓએ શિવ તાંડવ નૃત્ય, ભારતીય યોગ ગ્રુપના છાત્રોએ યોગ નિદર્શન, મોડેલ સ્કૂલ-જસદણના વિદ્યાર્થીઓએ કરાટે તથા આદર્શ માધ્યમિક સ્કૂલ-અમરાપુર, ઉમિયા વિદ્યાલય-રૂપાવટી તથા કે.જી.બી.વી. વિછીયાના વિદ્યાર્થીઓએ એકશન સોંગ પ્રસ્તુત કર્યા હતા. સમૂહ રાષ્ટ્રગાન બાદ આમંત્રિતોના હસ્તે કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય પર્વની આ પાવન ઉજવણીમાં સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા તથા રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર તથા ઉપપ્રમુખ સવિતાબેન વસાણી, જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ તલસાણીયા તથા અમરશીભાઈ ચૌહાણ, એ.પી.એમ.સી.-વિછીયાના પ્રમુખ કડવાભાઈ જોગરાજીયા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પ્રાંત અધિકારી રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એસ. ઠુમર,જિલ્લા પુરવઠા અધિકારી અવનીબેન હરણ, આઈ. સી. ડી. એસ.ના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથજી, જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એન એમ રાઠોડ, નાયક વન સંરક્ષક ડો. તુષાર પટેલ, વિવિધ શાળા કોલેજના છાત્રો તથા મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકો સામેલ થયા હતા.