ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. તેમણે કેશોદ તાલુકાના માણેકવાડા ગામે પ્રગતિશીલ ખેડૂત વાલાભાઈ લખમણભાઈ ડાંગરના ખેતરની મુલાકાત લીધી હતી. તેમણે ગિરનાર-4 મગફળીના પ્રજનક બીજ ઉત્પાદન અંગે માહિતી મેળવી અને ખેતી પદ્ધતિઓનું અવલોકન કર્યું હતું.
મંત્રીએ આજુબાજુના ગામોના ખેડૂતો સાથે સંવાદ કર્યો તથા બાઈક સ્પ્રે ફોમ અને ડ્રોનથી દવા છાંટવાની પદ્ધતિનું લાઈવ ડેમો જોયું. તેઓએ ડ્રોન દિદી શ્રેયાબેન આચાર્ય સાથે પણ વાતચીત કરી. શ્રેયાબેન હાલમાં ઇવનગરના મગફળી સંશોધન કેન્દ્રમાં ફરજ બજાવે છે. મંત્રીએ કૃષિ ક્ષેત્રમાં ટેક્નોલોજીના ઉપયોગને આવકાર્યો અને ખેડૂતોને નવીન પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહન આપ્યું. કાર્યક્રમમાં સ્થાનિક તંત્રના અધિકારીઓ, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.