સેનામાં મિલિટ્રી પોલીસ સુધી જ સીમીત રહેશે મહિલા અગ્નિવીર
અગ્નિપથ યોજનાના માધ્યમથી ત્રણેય સેનાઓમાં મહિલા અગ્નિવીરોની ભરતીને લઈને મોટા મોટા એલાન થયેલા પણ તેનો અમલ થવાના એંધાણ ઘણા ઓછા છે. થલસેનામાં સૌથી વધુ અગ્નિવીરોની ભરતી થવાની છે પણ તેમાં મહિલાઓ માટે તક સીમીત રહેશે, માત્ર મિલીટ્રી પોલીસમાં જ સીમીત સંખ્યામાં ભરતી થશે, તેના માટે પણ મહિલાઓએ રાહ જોવી પડશે.
- Advertisement -
સૂત્રો અનુસાર મિલીટ્રી પોલીસમાં મહિલા જવાનો માટે 800 જગ્યા સ્વીકૃત છે, તેમાં 83 જવાનોની તો અગાઉથી જ ભરતી થઈ ચૂકી છે અને બીજા ચરણમાં માંડ માંડ 100 ખાલી જગ્યા બહાર પડવાના એંધાણ છે. સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે, અગ્નિપથ યોજના અંતર્ગત મહિલાઓ માટે કોઈ નવી શાખામાં પ્રવેશ નથી ખોલવામાં આવ્યો, બલ્કે અગાઉથી જ સ્વીકૃત મિલીટ્રી પોલીસમાં તેની ભરતી કરવામાં આવશે.
મિલીટ્રી પોલીસ માટે 2019-2020માં પહેલી વાર 100 જવાનો માટે જગ્યા બહાર પાડવામાં આવી હતી, જેમાંથી 83 જવાનોએ ગત વર્ષે મે માં 61 સપ્તાહની ટ્રેનીંગ પુરી કરીને પોતાની સેવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ નવી બેચની ભરતી પ્રક્રિયા થઈ શકી નથી. સેનાએ અત્યાર સુધીમાં 41 રેલીનું એલાન કર્યું છે પણ બધી જગ્યાએ પુરુષ ઉમેદવારો પાસેથી આવેદન માંગવામાં આવ્યા છે.