આંદોલનોથી ક્રાન્તિ ભાગ્યે જ સર્જાય છે, ઝાઝાં ભાગે તો બટકણા નેતાઓ
જ જન્મે છે…
ગુજરાતીમાં કહેવત છે: કાચાં કાનનું તે નહીં સાનનું. આંદોલનો થાય છે, યુવાઓ અને મંદમત્તિ લોકોને એક પ્રવૃત્તિ મળે છે. માસ હિસ્ટિરિયા જેવું વાતાવરણ સર્જાઈ જાય છે. આંદોલનનાં સૌથી નીચેનાં સ્તરનાં જે લોકો હોય- એ જ માનતા હોય છે કે, તેઓ કોઈ ક્રાન્તિ કરી રહ્યાં છે. બાકીનાં બધાં દાઢી-મૂંછમાં ખડખડાટ હસતાં હોય છે- એ અટ્ટહાસ્ય બાઘાભાઈઓને જ દેખાતું નથી- આપણને સૌને દેખાય છે.
- Advertisement -
જન લોકપાલ આંદોલન થયું ત્યારે ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શનનાં કાર્યકરો માથે ધોળી ટોપી પહેરીને હિલોળે ચડ્યાં હતાં. ટોપીની માથે લખ્યું હતું : મૈં ભી અન્ના. લાખો અન્ના પોઢી ગયા. ઓરિજનલ અન્ના પણ ઓઝલ થઈ ગયા. ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન હવે ઈન્ડિયા વિથ કરપ્શન થઈ ગયું. અન્ના ગયા, એંઠવાડ વધ્યો. અન્નાનાં માસ્ક પહેરીને ફરતા લોકોનાં અસલી મુખારવિંદ ભારે ભૂંડા હતાં, શીળીવાળા, કદરૂપા, કોઢિયા હતાં. અન્ના આંદોલનમાંથી શું જન્મ્યું? નકરું ઝેર. બધા સમુદ્રમંથનમાંથી અમૃત નીકળતું નથી. દેશ આખો વલોવી નાંખ્યો અને છેવટે નિષ્પન્ન થયાં બે’ક ડઝન ભ્રષ્ટ રાજકારણીઓ, ડાબેરી નેતાઓ, ખાલિસ્તાન સમર્થક સત્તાધિશો અને ઈસ્લામિક અંતિમવાદને પ્રોત્સાહન આપતું ટોળું – એક એવો સમૂહ- જેને અરાજકતા પ્રાણ કરતાં વધુ પ્યારી છે.
આ જગતની માલીપા જેટલાં મોટાં આંદોલનો થયાં તેનો અંજામ આવો જ આવ્યો છે. બહુ છેટે જવાની જરૂર નથી: પાટીદાર અનામત આંદોલન યાદ કરો. સમજુ લોકો સમજાવી-સમજાવી ને લંઘાઈ ગયા કે, રસ્તા પર ઉતર્યા છે એ બધાં ગામનો ઉતાર છે. કોણ સમજે? ડઝને’ક પાટીદારોની લાશને હાર્દિક પટેલે પોતાનાં રથ સાથે જોડી અને એ ધારાસભ્ય પણ બની ગયો. ગુજરાતનું કિસ્મત ખરાબ હશે તો કાલે કદાચ મંત્રી પણ બની જશે. અલ્પેશ ઠાકોરનું શું થયું? એણે પણ કરિઅર બનાવી લીધી. જીજ્ઞેશ મેવાણી? આંદોલનનો ભરપૂર, મેક્સિમમ લાભ લીધો. પાટીદારો, ઠાકોર, દલિતો તડકે મૂકાઈ ગયા, આંદોલનકારીઓ સૂકાઈ-મૂરઝાઈ ગયા. અને આ ત્રિપૂટી બાગબાગ થઈ ગઈ. જેને 50 રૂપિયાવાળા છોટા રિચાર્જનાં પણ ફાંફાં હતા તેની પાસે ફોર્ચ્યુનર આવી ગઈ, બંગલાઓ બની ગયા અને ટેસડાં જ ટેસડાં. લાઈફ આખી રીટાયર્ડ કલેકટર જેવી બની ગઈ. કશું જ કરવાનું નહીં, ભેગું કર્યું હોય એમાંથી ખાવાનું.
લેટેસ્ટ ઉદાહરણ છે કરણી સેનાનાં રાજ શેખાવત. પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય આંદોલનમાં આ ભાઈએ બહુ કકળાટ કર્યો છે. ગઈકાલે વાત બહાર આવી છે કે, રૂપાલા મુદ્દે ભાજપમાંથી એમણે રાજીનામું આપ્યું એ પહેલાં જ રાજસ્થાનની ઝુનઝુનુ બેઠક પરથી તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂક્યા હતાં. અને આ ઉમેદવારી કોનાં ટેકાથી કરી? બહુજન મુક્તિ પાર્ટીનાં અને બામસેફના સપોર્ટથી! આ એ જ બામસેફ છે જેનું સનાતનવિરોધી સ્ટેન્ડ દેશજાહેર છે. તેનાં અધ્યક્ષ સનાતન-હિંદુ ધર્મ વિરૂદ્ધ ટિપ્પણી હજાર વખત કરી ચૂક્યાં છે. રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો દિન તેમણે કાળો દિવસ ગણાવ્યો હતો. શેખાવતે બામસેફના અધ્યક્ષ વામન મેશ્રામને વંદન કરતો ફોટો પણ ખેંચાવ્યો. શું આ ક્ષાત્રધર્મ છે?
- Advertisement -
ક્ષાત્રધર્મ શું છે? સનાતન ધર્મનાં રક્ષણ કાજે ક્ષત્રિયોએ શત્રુઓના માથા વધેર્યા છે અને પોતાનાં શિર પણ આપ્યા છે. સત્તાનો જઠરાગ્નિ શું એટલો પ્રબળ બની ગયો કે, પોતાનો ક્ષાત્રધર્મ પણ સળગાવી નાંખ્યો? આંદોલનોમાંથી આવું બધું જ નિપજતું હોય છે. એક વિચાર નાનાં સમૂહ પૂરતો હોય ત્યાં સુધી ઠીક છે, ટોળાંઓ હંમેશા સત્યાનાશ અને અરાજકતા નોતરે છે. નાને ભડકે દિવાળી હોય અને મોટે ભડકે હોળી. શેખાવતે બામસેફ સાથે મોવાળે ગાંઠ્યું બાંધી એ ઘટના જ પુરાવો છે કે, તેઓ ક્ષાત્રવટ માટે નહીં, સ્વયં માટે ઉપાડો લઈ રહ્યાં છે. કોઈએ સત્ય જ કહ્યું છે: કર્મ છૂપે નહીં ભભૂત લગાયે.