સીરિયાના લતાકિયા અને તારતૂસમાં સુરક્ષા દળો અને અસદના સમર્થકો અલાવી સમુદાય વચ્ચે હિંસા થોભવાનું નામ લઈ રહી નથી. 6 થી 10 માર્ચ દરમિયાન થયેલી હિંસામાં કુલ 1000 લોકોના મોત નીપજ્યા છે. આ વિસ્તારોમાં 72 કલાકથી પાણી અને વીજ સપ્લાય સંપૂર્ણપણે બંધ છે. મોતના આ આંકડા 2011ના ગૃહયુદ્ધ બાદ સૌથી વધુ છે.
સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ અનુસાર, સીરિયન સુરક્ષા દળોએ 6 થી 10 માર્ચના ચાર દિવસના ગાળામાં જ 1,018 લોકોની હત્યા કરી હતી. બશર અલ-અસદ ગયા વર્ષે ડિસેમ્બરમાં બળવા બાદ દેશ છોડીને રશિયા પલાયન કર્યું હતું. બાદમાં હયાત તહરિર અલ-શામ (HTS)એ સીરિયાની સત્તા પર કબજો જમાવ્યો હતો. HTSના લડાકૂઓ હવે સીરિયન સેનાનો ભાગ છે. તેઓ અસદના સમર્થકો અને પૂર્વ સરકારના અધિકારીઓ પર અવારનવાર હુમલાઓ કરી રહ્યા છે.
- Advertisement -
સીરિયન સરકારે અસદના સમર્થકોને જવાબદાર ઠેરવ્યા
સીરિયન સરકારનું કહેવું છે કે બશર અલ-અસદના સમર્થકોએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો, જે બાદ હિંસા શરૂ થઈ હતી. બીજી બાજુ અસદના સમર્થકો અને લડાકૂઓએ સુરક્ષા દળો પર તેમના રહેણાંક વિસ્તારોમાં બોમ્બ ફેંકવાની અને ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સુરક્ષા દળોએ એક વ્યક્તિને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. સરકારે લતાકિયા અને ટાર્ટસમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કર્યા છે અને કર્ફ્યુનો આદેશ આપ્યો છે.
અલાવી સમુદાયને ટાર્ગેટ
- Advertisement -
રિપોર્ટ અનુસાર, અલાવી સમુદાયના લોકોને ટાર્ગેટ બનાવી મારવામાં આવી રહ્યા છે. જેના લીધે રસ્તાઓ મૃતદેહોથી ભરેલા છે. આ સમુદાયની મહિલાઓને રસ્તા પર નિર્વસ્ત્ર પરેડ કરાવવામાં આવી રહી છે.
બશર અલ-અસદને વફાદાર લોકો મુશ્કેલીમાં
અલાવી સમુદાય મોટાભાગે બશર અલ-અસદને ટેકો આપે છે. તેનું મુખ્ય કારણ એ છે કે અસદ પોતે અલાવી સમુદાયના છે. તેમના પિતા સત્તા પર આવતાની સાથે જ તેમણે મોટી સંખ્યામાં અલાવીઓને સરકારી અને લશ્કરી હોદ્દાઓ પર નિયુક્ત કર્યા હતા. તેમને સત્તા અને સંસાધનોમાં સીધો અને વિશાળ હિસ્સો મળવા લાગ્યો હતો. જો કે, સીરિયામાં અલાવીની વસ્તી માત્ર 12 ટકા છે, જ્યારે સુન્નીની વસ્તી 74 ટકા છે.
સુન્ની લઘુમતી સમુદાય અલાવીથી નારાજ
અલાવી સમુદાય લઘુમતી હોવા છતાં અસદના રાજમાં તેમને પુષ્કળ પ્રમાણમાં લાભો મળ્યા હતા. જેના લીધે બહુમતી સુન્ની સમુદાય અલાવીથી નારાજ છે. વધુમાં સુન્ની અને શિયા વચ્ચે વર્ષોથી ધાર્મિક યુદ્ધ પણ ચાલુ જ છે. અસદ સરકારનું શાસન ધર્મનિરપેક્ષ હતું, જ્યારે સુન્ની ધાર્મિક નેતા અને કટ્ટરપંથી જૂથ અસદની વિરૂદ્ધમાં હતું. સુન્ની સમુદાયના લોકો અલાવીને મુસ્લિમ ધર્મથી ભટકેલા માને છે.
સીરિયામાં હિંસાનું કારણ
સીરિયામાં 1971થી અલ-અસદ પરિવારનું રાજ હતું, જે ડિસેમ્બર 2024માં સમાપ્ત થયું હતું. અહેમદ અલ-શારાએ બશર અલ-અસદને સત્તા પરથી હટાવીને વચગાળાની સરકાર બનાવી છે. સીરિયામાં ઘણા લોકો માને છે કે ત્યાં સુન્ની બહુમતીમાં હોવા છતાં, 5 દાયકાથી સત્તા અને સંસાધનો લઘુમતી સમુદાય – અલાવીના હાથમાં હતા. અલ-અસદ પરિવાર આ સમુદાયમાંથી આવે છે.
ડિસેમ્બર 2024માં સીરિયામાં સત્તા પલટો થયો હતો. અને બશર અલ-અસદ સીરિયા છોડી રશિયા પલાયન કરવુ પડ્યું હતું. અહેમદ અલ-શારાની આગેવાની હેઠળના ઇસ્લામિક જૂથ હયાત તહરિર અલ-શામે અસદને સત્તા પરથી હટાવી દીધા છે. આ જૂથના મૂળ અલ-કાયદાની સીરિયન શાખામાં છે. તે હજુ પણ અમેરિકા અને ઘણી પશ્ચિમી સરકારો દ્વારા આતંકવાદી સંગઠન તરીકે સામેલ છે.