ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન મોદી દ્વારા દેશમાં મફતની રેવડી વહેંચીને વોટ મેળવવાનું કલ્ચર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ઘણું જ ઘાતક છે. આ રેવડી કલ્ચરથી દેશના લોકોએ સાવધ રહેવાની જરૂર છે. તેવા નિવેદનને લઈ આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અઅઙની એક મહિલા બે મહિલા પોલીસકર્મીઓને ભારે પડી હતી. પોલીસે ટીંગાટોળી કરીને તેમની ધરપકડ કરી હતી. વિરોધ પ્રદર્શનને પરમિશન ન હોવાથી કાગડાપીઠ પોલીસ દ્વારા 40થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. મફત રેવડી વહેચણીના નિવેદનના પગલે આજે આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદના રાયપુર વિસ્તારમાં બિગ બજાર પાસે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
પોલીસે 40થી વધુ કાર્યકરોની અટકાયત કરી
આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ની આગેવાનીમાં કાર્યક્રમ યોજાવાનો હતો જેમાં ઈસુદાન ગઢવી હાજર રહ્યા ન હતા પરંતુ મનોજ સોરઠીયા અને મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારત માતાકી જય, ઈન્કલાબ જીન્દાબાદ લડેંગે જીતેંગે નારા લગાવ્યા હતા.વિરોધ પ્રદર્શનના કાર્યક્રમને પરમિશન ન હોવાથી કાગડાપીઠ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી 10થી વધુ મહિલાઓ અને 30થી વધુ પુરુષોની પોલીસે અટકાયત કરી હતી.