અરજદાર નાછૂટકે એજન્ટ પાસે કામ કરાવી પૈસા આપવા મજબૂર: સરકારી કચેરીઓમાં સામાન્ય લોકોનો ફાયદો ઉઠાવતા વચેટીયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાની જનતા પોતાના સરકારી કામકાજ માટે શહેરની વિવિધ કચેરીઓમાં આવતી હોય છે. અહીં અનઅઘિકૃત વ્યક્તિઓ ભોળી જનતાને ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું ધ્યાનમાં આવ્યું છે. રાજકોટની સરકારી કચેરીઓમાં એજન્ટો – વચેટીયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. પી.ડી. માલવીયા કોલેજ પાસે આવેલી દક્ષિણ મામલતદાર કચેરીએ થોડા સમય પહેલા જ માલવીયાનગર પોલીસ સ્ટેશન ટિમ દ્વારા ગેરકાયદેસર રીતે પગદંડો જમાવેલા ચાર એજન્ટોને ઝડપી પાડ્યા હતા. હવે ફરી એકવાર દક્ષિણ મામલતદાર કચેરીએ એજન્ટ – વચેટીયા નજરે પડ્યા છે. દક્ષિણ મામલતદાર કચેરીએ આવતા લોકો પાસેથી એજન્ટ – વચેટીયા ગેરકાયદે રીતે પૈસા વસૂલી રહ્યા છે. દક્ષિણ મામલતદાર કચેરીએ બે અલગ-અલગ ઝોન કામ કરી રહ્યા છે એક સંયુક્ત મામલતદાર ઓફીસે સરકારી દાખલાઓ કાઢી આપવામા આવે છે અને બાજુમાં પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ અને તેને લગતી તમામ સેવાઓ આપવામાં આવે છે. અહીં સામાન્ય માણસને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાથી તેઓને નાછુટકે લેભાગુ એજન્ટો – વચેટીયાઓનો સહારો લેવો પડે છે. આજરોજ એક વ્યક્તિને રાશનકાર્ડમાં ભુલથી દિકરીના નામને બીજી પત્નિ તરીકે દર્શાવાતા ઓપરેટરની ભુલને કારણે રેશનકાર્ડમાં નામ સુધારાવવા માટે અંદાજીત 6થી 7 ધક્કા ખાવા પડ્યા હતા અને અંતે તેઓને એજન્ટ – વચેટીયાને પૈસા આપી પોતાના કામ કરાવવા પડ્યા હતા. આથી રાજકોટ કલેક્ટર પ્રભવ જોષીએ આ બાબતે ત્વરિત કોઈ નિર્ણય લઈ સામાન્ય માણસને થતી તકલીફોનો નિકાલ કરવો જોઈએ.