સોમનાથ મહાશિવરાત્રીના પર્વ પર માનવ મહેરામણ ઉમટ્યો
25000 શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા, ભજન ભોજન અને ભક્તિનો આધ્યાત્મ ધોધ સોમનાથની ભૂમિને કરી રહ્યો છે પાવન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર હજારો શ્રદ્ધાળુઓ હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે મહાશિવરાત્રીના પર્વ પર પુણ્ય અર્જિત કરવા પહોંચ્યા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીને લઈ આગું અયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે સવારના ચાર વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ સોમનાથ તીર્થમાં ઉમટીઓ છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવરાત્રી પર્વનો પ્રારંભ વહેલી સવારે ધ્વજા પૂજા અને પાલખી પૂજન કરી કરવામાં આવ્યો. સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી સમગ્ર મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં શિવત્વનો અનુભવ કરી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે લેહરી દ્વારા ધ્વજા પૂજા કરવામાં આવી હતી. યોગાનું યોગ સોમનાથ મહાદેવના દર્શને આવેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજામાં સહભાગી થયા હતા. આ તકે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટના અધિકારીશ્રીઓ કર્મચારીઓ આ પૂજામાં જોડાયા હતા.મધ્યાહન સુધીમાં અંદાજિત 25,000 થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. અને ભક્તોનો અવિરત પ્રવાહ હજુ પણ સોમનાથ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યો છે જેમને સતત 42 કલાક મંદિર ખુલ્લું રેહવાને કારણે સરળતાથી દર્શન થઈ શકશે.
ઐતિહાસિક પાર્થેશ્ર્વર પૂજન
સોમનાથ તીર્થના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત પંચમહાભૂત ની અનુભૂતિ કરાવતી પાર્થિવ શિવલિંગ પૂજા પાર્થેશ્ર્વર પૂજન સ્વરૂપે સમુદ્ર તટે યોજવામાં આવી હતી. પાર્થેશ્ર્વર પૂજામાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી, સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત 200 થી વધારે શ્રદ્ધાળુઓ શિવપાર્થેશ્વર પૂજામાં જોડાયા હતા. આ પૂજા ઐતિહાસિક એટલા માટે બની હતી કારણ કે પૂજામાં એક ગ્રામ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. પાત્રોથી લઈને થેલી, પૂજાના દ્રવ્યો તમામ વસ્તુઓ ઇકો ફ્રેન્ડલી મટીરીયલની બનાવવામાં આવી હતી. સાથે સોમનાથ ટ્રસ્ટી સમગ્ર સોમનાથ તીર્થ નિર્મલ બનાવવા નિર્મલ સોમનાથનો સંકલ્પ કરાવ્યો હતો. કદાચ આવો પ્રથમ કિસ્સો હશે જેમાં આવડું મોટું પૂજન થયા બાદ પણ એક પણ સફાઈ કર્મીએ નીચેવાળી અને કચરો એકઠું કરવાની જરૂર નહોતી પડી. આટલી સ્વચ્છતા પૂજા કરનાર ભક્તો દ્વારા રાખવામાં આવી હતી.