પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખૂલી, અનેક રસ્તા પર પાણી ભરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અસહ્ય બફારા અને ગરમીના ઉકળાટ વચ્ચે મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. બપોરે 2 વાગ્યે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં રસ્તા પરથી વરસાદી પાણી ફરી વળ્યા હતા. આ સાથે જિલ્લામાં પણ અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે ઝરમર વરસાદ બાદ ભારે બફારો થઈ રહ્યો હતો. સવારથી અસહ્ય બફારા સાથે ભારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લોકો પરેસેવે રેબઝેબ થઈ ગયા હતા. જો કે, બપોર બાદ રાજકોટના વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. અને ભારે પવન સાથે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદથી ચોમેર પાણી પાણી થઈ ગયું છે. જો કે, મહાપાલિકાના પ્રિ-મોન્સુન પ્લાનની મેઘરાજાએ પોલ ખોલી નાખી છે. ડામર પ્લાન્ટ અને ખોદકામ તત્કાલ બંધ કરાયા છે. શહેરના યાજ્ઞિક રોડ, ગોંડલ ચોકડી, આજીડેમ, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, રેસકોર્સ, બહુમાળી ભવન, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે.