સાત માળની બિલ્ડિંગ ગેરકાયદે ખડકાઈ ગઈ તો પણ તંત્રના પેટનું પાણી હલ્યું નહીં!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરમાં ગેરકાયદે બાંધકામનું દુષણ ખૂબ લાંબા સમયથી ફુલ્યું છે. ભૂતકાળમાં અધિકારીઓ દ્વારા ઓફલાઈન મંજૂરી અને ઈમ્પેક્ટ ફીના નામે ગેરકાયદે બિલ્ડીંગને કાયદેસર કરવામાં આવી દીધા હોવાના આક્ષેપો થયા હતા તો આઠ મહિના પહેલા નિયુક્ત થયેલા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ ઓફલાઈન મંજૂરી પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદી દેતા બિલ્ડર લોબીના કેટલાક તત્વો જાણે રઘવાયા થયા હોય તેમ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વિના આડેધડ સામાન્ય લોકોને નડતરરૂપ તેમજ લોકોના જીવને જોખમ સર્જાય તે પ્રકારે બાંધકામ ખડકી દેવાનું શરૂ કરી દીધું હતું. આ જ સમયગાળા દરમિયાન પંચાસર રોડ વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક 1 ના પાછળના ભાગમાં શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ તેમજ અન્ય બિલ્ડરોએ શહેરી વિકાસ વિભાગ દ્વારા નકકી કરાયેલ જીડીસીઆરના નિયમો નેવે મૂકી બિલ્ડીંગ આસપાસ શરત મુજબ જગ્યા છોડ્યા વિના સાત માળના ગેરકાયદે બિલ્ડીંગનું બાંધકામ તેજ ગતિએ હાથ ધરી દીધું હતું.
આ બાંધકામથી પ્રમુખ પાર્ક વિસ્તારમાં રહેતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાની સ્થિતિ થતા પ્રમુખ પાર્કના રહેવાસીઓ દ્વારા ગેરકાયદેસર રીતે બનતા બહુમાળી બાંધકામ અટકાવવા અગાઉ મોરબી નગર પાલિકામાં માર્ચ મહિનાથી સતત રજુઆત કરી હતી જેને લઈ પાલિકા દ્વારા જે તે સમયે નોટિસ આપી બિલ્ડરોને તેમના દ્વારા કરવામાં આવેલ બાંધકામની કોઈ પૂર્વ મંજૂરી લીધી છે કે કેમ ? જે બાંધકામ થઈ રહ્યું છે તે નિયમ મુજબ છે કે કેમ ? વગેરે બાબતોનો ખુલાસો કરવા સૂચના આપી હોવા છતાં બિલ્ડરોએ જવાબ આપ્યો ન હતો તો બીજી તરફ બિલ્ડીંગનું બાંધકામ દીવસે દિવસે આગળ વધી રહ્યું હોવાથી આ વિસ્તારમાં રહેતા સ્થાનિક દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી અને તાત્કાલિક બાંધકામ અટકાવવા માંગ કરતા હાઈકોર્ટે પણ તાત્કાલિક અસરથી બાંધકામ અટકાવવા આદેશ આપતા પાલિકા દ્વારા ફરી એકવાર બાંધકામ અટકાવવા નોટિસ આપી હતી. બિલ્ડર દ્વારા પાલિકાની નોટિસનો જવાબ આપ્યા વિના આડેધડ બાંધકામ ચાલુ રાખવામાં આવતા ગઈકાલે મોરબી પાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા તેમની ટીમ સાથે પંચાસર રોડ પર નિર્માણધીન સાત માળની બહુમાળી ઈમારત તોડવા પહોંચ્યા હતા અને જેસીબી તથા મજૂર લઈ ઈમારતને તોડવાની કામગીરી શરૂ કરી દીધી હતી અને આખે આખું સાત માળનું બિલ્ડીંગ ગેરકાયદે હોવાથી તેને સંપૂર્ણપણે તોડવાની કામગીરી હાથ ધરી હતી.
- Advertisement -