જૂનાગઢ જિલ્લાના બ્રિજોની ચકાસણી સાથે ભારે વાહનો માટે બંધ કરાયા
ભેસાણ, ધંધુસરના જોખમી બ્રિજ પર ભારે વાહન માટે બંધ
જિલ્લાના ત્રણ જોખમી બ્રિજની મંજૂરી સરકાર ક્યારે અપાશે?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ જૂનાગઢ તંત્ર સફાળું જાગ્યું છે અને જૂનાગઢ જિલ્લમાં જોખમી બ્રીજોની ચકાસણીના આદેશ આપતા તંત્ર દ્વારા આળસ ખંખેરી કામે લાગ્યા છે. જેમાં ધંધુસર ભેસાણના જોખમી બ્રિજ પર ભારે વાહન માટે પ્રવેશ બંધ કરાયો છે બીજી બાજુ જિલ્લાના ત્રણ બ્રિજની મંજૂરી સરકારમાં મુકાઈ ગઈ છે પણ મંજરી ન મળવાના લીધે કામ આગળ વધ્યું નથી ત્યારે હવે સરકાર ક્યારે મંજૂરી અપાશે તેવા પ્રશ્ર્નો ઉભા થઇ રહ્યા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જૂનાગઢ જીલ્લાનું તંત્ર હરકતમાં આવ્યું છે. જીલ્લા પંચાયત તથા સ્ટેટ માર્ગ મકાન વિભાગ હસ્તકના બ્રિજની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વંથલીના ધંધુસર અને ભેસાણ મોટા કોટડા રોડ પર ઉબેણ નદી પરનો બ્રિજ જોખમી હોવાનું હવે તંત્રના ધ્યાને આવ્યું છે. આ બ્રિજ પર ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ ફરમાવવા માટે કાર્યપાલક ઈજનેર દ્વારા કલેક્ટરને જાહેરનામું બહાર પાડવા માંગ કરવામાં આવી છે. ધંધુસરનો બ્રિજ વર્ષ 2023માં તુટી ગયો હતો. તેને રિપેર કરી ગાડુ ગબડાવવામાં આવતું હતું.સરકારની ઘોરબેદરકારના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. ક્યાંય પણ દુર્ઘટના બને ત્યારબાદ તંત્ર તપાસ કરવાનો ડોળ કરે છે. વંથલીના ધંધુસર નજીક ઉબેણ નદી પર 50 વર્ષ જુનો બ્રિજ આવેલો છે. આ બ્રિજ તા.30-6-2023ના પુરના પ્રવાહમાં ધોવાઈ ગયો હતો. મોડી રાત્રીના બ્રિજ તુટ્યો હોવાથી સદનસીબે દુર્ઘટના થઈ ન હતી. ત્યારબાદ આ બ્રિજમાં છેવાડે પાઈપ નાખી કામ ચલાવ રિપેરીંગ કરી શરૂ કરી દેવામાં આવ્યો છે. બ્રિજનો જે ગાળો તુટ્યો છે તેવી રીતના અન્ય ગાળા પણ તુટે તેવી શક્યતાઓ છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજની તપાસના થયેલા આદેશ બાદ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ધંધુસરના બ્રિજની તપાસ અર્થે દોડી ગયા હતા.
તપાસ કર્યા બાદ સામે આવ્યું કે, સલામતી ખાતર આ બ્રિજ પર ભારે વાહનો ચલાવવા જોખમી છે જેથી નાયબ કાર્યપાલક ઈજનેરે કાર્યપાલકને રિપોર્ટ કર્યો કે, ઉબેણ નદીના બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવો જરૂરી છે. કાર્યપાલકે આ અંગે કલેક્ટરને લેખિત જાણ કરી છે કે, આ બ્રિજ પર ભારે વાહનો ન ચાલે તે માટે સત્તાવાર જાહેર જાહેરનામું બહાર પાડવામાં આવે, જો ભારે વાહનો ચાલશે તો અકસ્માત થવાની ભીતિ છે. હાલ ચોમાસાની સિઝન હોવાથી નદીમાં પાણી છે. હવે કલેક્ટર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. કલેક્ટરનું જાહેરનામું બહાર પડ્યા બાદ માર્ગે મકાન વિભાગ દ્વારા બ્રિજના બંને છેડે લોખંડના ગડર ફીટ કરી દેવામાં આવશે જેથી ભારે વાહનો પસાર થઈ શકે નહી. તેવીજ રીતે ભેસાણ મોટા કોટડા રોડ પર ઉબેણ નદી પર આવેલ માઈનોર બ્રિજ નબળો પડી ગયો છે. બ્રિજના સ્લેબમાં રેઈનફોર્સમેન્ટ વિઝીબીલીટી તથા ખાણકી પથ્થરના એમ્બર્સમેન્ટ તથા પિલરમાં ધોવાણ થયેલ છે. આ બ્રિજની તા.22-4-2025ના સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. આવી સ્થિતિના કારણે આ બ્રિજ પર ભારે વાહનો ચલાવવા પ્રતિબંધ મુકવાની કલેક્ટર સમક્ષ માર્ગ મકાન વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવા માંગ કરવામાં આવી છે.
જર્જરિત બ્રિજો મંજૂરીની રાહ જોવે છે
જર્જરિત અને જોખમી બ્રિજની તપાસના આદેશના નાટક કરવામાં આવી રહ્યા છે. હક્કિતે જર્જરિત અને જોખમી બ્રિજની માર્ગ મકાન વિભાગ દ્વારા સરકારમાં વર્ષોથી દરખાસ્ત કરી દેવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા નવો બ્રિજ બનાવવા માટેની હજુ મંજુરીઓ મળતી નથી તેના કારણે વાહનચાલકો માથે જોખમ મંડરાયેલું છે. જૂનાગઢ જીલ્લાના ત્રણ જોખમી બ્રિજ નવા બનાવવા માટેની દરખાસ્ત સરકારની મંજુરીની રાહમાં છે જેમાં સરાડીયા નજીકના બાંટવા ખારો નદી પર, મેંદરડાના નાગલપુરનો બ્રિજ અને વંથલીના ધંધુસરના બ્રિજની સરકાર દ્વારા મંજુરી આપવામાં આવતી નથી.