ખાસ-ખબર સંવાદદાતા
કેશોદ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર પ્રચાર માટે મુખ્યમંત્રીનો રોડ શો યોજાયો હતો. રોડ શો યોજાયા બાદ માંગરોળ પર આવેલા પેટ્રોલ પંપ ખાતે રૂા.200નું પેટ્રોલ પુરાવવા મોટી સંખ્યામાં બાઇક ચાલકો ઉમટી પડયા હતા અને બાઇકની કતાર લાગી જતા પેટ્રોલ પંપ પર અવ્યવસ્થા સર્જાઇ હતી. જેના કારણે પેટ્રોલ પંપ બંધ કરવો પડયો હતો. આ અંગે અપક્ષ ઉમેદવાર અરવિંદભાઇ લાડાણી અને કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઇ જોટવાએ જણાવ્યુ હતુ કે, ભાજપના આગેવાનોએ રોડ શોમાં આવેલા બાઇક ચાલકોને 200 રૂપિયાના પેટ્રોલ પુરાવવા અંગેના પાસ આપ્યા હતા. ભાજપ હાર ભાળી ગઇ હોવાથી આવા નુસખા કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. વળી, પેટ્રોલ પંપ પર થયેલી ભીડના અને ત્યાં સર્જાયેલી અવ્યવસ્થાના વિડીયો વાઇરલ થયા હતા. જેમાં રૂા.200નું પેટ્રોલ અને રૂા.500 રોકડા એવા સંવાદો પણ સંભળાયા હતા.