જર્જરિત હાલતમાં આંગણવાડીમાં બાળકોને બેસાડવામાં આવતાં 3 માર્ચના રોજ ગામના સરપંચ અને ગ્રામજનોએ આંગણવાડીની તાળાંબંધી કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
વિસાવદરના જેતલવડમાં જર્જરીત હાલતમાં આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને બેસાડવામાં આવતાં હતાં જેને લઇને 3 માર્ચના રોજ ગામના સરપંચ અને ગ્રામજનોએ આંગણવાડીની તાળાબંધી કરી હતી. સમગ્ર ઘટનાનો સચિત્ર અહેવાલ ખાસખબર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારે હાલ તંત્ર દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી.
વિસાવદર તાલુકા વિકાસ અધિકારી, બાળ વિકાસ યોજના અધિકારી, આંગણવાડી સુપરવાઈઝર તેમજ પ્રાંત કચેરીનાં કર્મચારીઓ કાફલો જેતલવડ પહોચ્યો હતો અને પંચાયત તમેજ ગ્રામજનો સાથે પરામર્શ કરી મામલો થાળે પાડવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો જો કે હાલ જે આંગણવાડીમાં બાળકો બેસતા હતા તે અને અગાઉ બેસતા તે બન્ને મકાનો જર્જરિત હોવાનું પણ આ અધિકારીઓએ મૌખિક સ્વીકાર્યું હતું અને તાત્કાલિક કોમ્યુનિટી હોલમાં આંગણવાડી કાર્યરત કરવા જણાવ્યુ હતું જ્યારે અન્ય બે કેન્દ્ર માટે ભાડાનાં ગામમાં જ મકાન માટે શોધખોળ કરી મકાનોની પણ મુલાકાત લીધી હતી.
મહત્વનુ છે કે સમગ્ર ઘટનાના 10 દિવસ બાદ તંત્ર જાગ્યું છે પરંતુ હજુ પરિણામલક્ષી કામગિરી નવા મકાન બનાવવા અને આંગણવાડી ફરીથી કાર્યરત કરવા માટે તંત્રની ક્યાંકને ક્યાંક ઉદાસીનતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ખરેખર જો આંગણવાડીઓ જર્જરિત હાલતમાં હોય અને તેમાં બાળકોને બેસાડતા હતા તો અત્યાર સુધી વારંવાર આંગણવાડીની મુલાકાત લેતા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનું પેટનું પાણી પણ હલ્યું ન હતું.