મોરબી જિલ્લામાં 3થી 10 ઓક્ટોબર દરમિયાન સહી ઝુંબેશ: મત ચોરી અંગે લોકોને જાગૃત કરવા કોંગ્રેસનો સંકલ્પ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.2
રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણીઓમાં વોટ ચોરીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા બાદ, હવે ગુજરાત કોંગ્રેસે આ મુદ્દાને જનતા સુધી લઈ જવા માટે “વોટ ચોર ગદ્દી છોડ” સૂત્ર સાથે રાજ્યવ્યાપી સહી ઝુંબેશ શરૂ કરી છે.
- Advertisement -
આ ઝુંબેશના ભાગરૂપે, મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આગામી 3 થી 10 ઓક્ટોબર દરમિયાન શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ લોકોને વોટ ચોરી અંગે જાગૃત કરવાનો અને આ બાબતે સહમત થતા લોકોની સહીઓ એકત્રિત કરવાનો છે. આ અંગે મોરબીના સનાળા રોડ પર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરજાદા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું હતું કે, આ સહી ઝુંબેશ અંતર્ગત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ લોકો સુધી પહોંચીને વોટ ચોરી કેવી રીતે થાય છે તેની સમજૂતી આપશે. એકત્રિત થયેલી સહીઓ આગામી દિવસોમાં રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણીઓને સુપરત કરવામાં આવશે.
વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરજાદાએ વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ દેશમાં વોટ ચોરીનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતમાં નમૂનારૂપ તપાસમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની લોકસભા બેઠક હેઠળ આવતી 84 વિધાનસભા બેઠકોના મતદારોમાંથી રેન્ડમલી તપાસ કરતા 12 ટકાથી વધુ શંકાસ્પદ અથવા બોગસ મતદારો હોવાનું સામે આવ્યું છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ 12 ટકા મત ચૂંટણીના પરિણામોને પલટાવવા માટે પૂરતા છે. આ વોટ ચોરીને રોકવા અને લોકોને જાગૃત કરવા માટે જ આ સહી ઝુંબેશ શરૂ કરાઈ છે, જેની સહીઓને રાષ્ટ્રીય કોંગ્રેસ મારફતે ચૂંટણીપંચ સુધી પહોંચાડવામાં આવશે.