વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાની 8મી તારીખે જઈ રહ્યા છે રશિયાની મુલાકાતે, ભારતીય સમુદાયના લોકોએ મોસ્કોમાં એક હિન્દુ મંદિર માંગ કરી
તાજેતરમાં જ સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું પ્રધાનમંત્રી મોદીએ ઉદ્ઘાટન કર્યું તે તો તમે સૌ જાણતા જ હશો. જોકે હવે અન્ય એક દેશમાં પણ હિન્દુ મંદિરને લઈ કવાયત શરૂ થઈ છે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાની 8મી તારીખે રશિયાની મુલાકાતે જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી અહીં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાતથી ભારત-રશિયા સંબંધો વધુ મજબૂત થવાની આશા છે. જોકે આ દરમિયાન ત્યાં રહેતા ભારતીય સમુદાયના લોકોએ એક નવી માંગ કરી છે અને તે છે મોસ્કોમાં એક હિન્દુ મંદિર.
- Advertisement -
હિન્દુ ધર્મ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. ભારત અને નેપાળમાં હિન્દુઓની વસ્તી બહુમતી છે. જોકે તાજેતરના વર્ષોમાં તે ધીમે ધીમે રશિયામાં પણ વધી રહ્યું છે. અહીંની મોટાભાગની વસ્તી ખ્રિસ્તીઓ હોવા છતાં રશિયામાં કેટલાક સ્થળોએ નાના મંદિરો બનાવવામાં આવ્યા છે પરંતુ તેઓ મુખ્યત્વે સમુદાય કેન્દ્રો તરીકે કાર્ય કરે છે. આવી સ્થિતિમાં રાજધાની મોસ્કોમાં મંદિર બનાવવાની માંગ વધવા લાગી છે.
એક અહેવાલ અનુસાર પ્રધાનમંત્રી મોદીની રશિયાની મુલાકાત પહેલા ભારતીય બિઝનેસ એલાયન્સ અને ઈન્ડિયન નેશનલ કલ્ચરલ સેન્ટરે ભવ્ય હિન્દુ મંદિર બનાવવા માટે બેઠક યોજી હતી. આ જૂથના પ્રમુખ સ્વામી કોટવાણી કહે છે, મોસ્કોમાં નિર્માણ થનારું આ હિંદુ મંદિર માત્ર ભારતીયો માટે એકતા અને આકર્ષણનું કેન્દ્ર નહીં બનશે પરંતુ ભારત અને રશિયા વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતીક પણ બનશે.
નોંધનિય છે કે, આ પહેલા આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા નિર્મિત આ મંદિર ખૂબ જ ભવ્ય છે. જોકે આ મંદિર હિન્દુ ધર્મનું છે પરંતુ તેમાં મુસ્લિમ, જૈન અને બૌદ્ધ ધર્મના લોકોનું પણ મોટું યોગદાન છે. UAEના પ્રમુખ શેખ મોહમ્મદ ઝાયેદ અલ નાહ્યાને 27 એકર જમીનમાં ફેલાયેલા આ હિન્દુ મંદિર માટે જમીન દાનમાં આપી હતી. આ મંદિર દુબઈ-અબુ ધાબી શેખ જાયદ હાઈવે પર અલ રહેબા પાસે 27 એકર વિસ્તારમાં બનેલું છે, જે લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ ખ્રિસ્તીઓ હતા, જ્યારે આ પ્રોજેક્ટના સંચાલકો શીખ સમુદાયના હતા અને ડિઝાઇનર બૌદ્ધ હતા. આ મંદિર બનાવનારી કંપની એક પારસીની હતી, જેના ડિરેક્ટર જૈન સમુદાયના હતા.