ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.10
મોરબી શહેરમાં હાલ અલગ અલગ વિસ્તારમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે વરસાદને કારણે લોકોને જે સમસ્યા થઇ રહી છે તે સમસ્યાના નિરાકરણ માટે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી શહેરની સમસ્યા ઉકેલવા ગાંધીનગર ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ અને શહેરી વિકાસ વિભાગના સચિવ સાથે મળી શહેરની સમસ્યા મુદે રજૂઆત કરી અને લોકોની સમસ્યાનો અંત લાવવા તાત્કાલિક એક્શન લેવા સુચના આપી હતી.
આ ઉપરાંત આજે ગાંધીનગરથી પરત ફર્યા બાદ મોરબી જિલ્લા કલેકટર અને મનપા કમિશ્ર્નર સાથે બેઠક કરી હતી શહેરમાં વરસાદના લીધે રસ્તા ઝડપથી રીપેર થાય અને શહેરનું સુચારૂ આયોજન થાય તે માટે સૂચના આપવામાં આવી હતી. મોરબી શહેરના સંચાલન અને પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બને તે હેતુથી વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી અને મોરબી શહેરના આયોજનબદ્ધ અને જવાબદાર કામગીરી અમલમાં મૂકવા માટેની દિશાએ કાર્ય કરવા શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો અને કાર્યકરો સાથે બેઠક કરી લોકોની સમસ્યા હલ કરવા તેમના તરફથી જરૂરી મદદ કરવા કાર્યકરો અને હોદેદારોને પણ સુચના આપી હતી.



