આદુ રૂ. 450 અને કોથમીર-મેથીનો ભાવ 150થી 250 રૂ. કિલો
શાકમાર્કેટમાં ટામેટાં બાદ આદુ અને લીલા શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
તેલ અને ટામેટાં બાદ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ બગડી રહ્યું છે. રાજ્યમાં સતત શાકના ભાવ વધી જવાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 2 દિવસ પહેલા તેલ અને ટામેટાંના ભાવે માઝા મૂકી હતી. હવે આદુના ભાવ 450 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યા છે. તો સાથે કોથમીર અને મેથીના ભાવ પણ વધી ચૂક્યા છે.
રાજકોટની શાકમાર્કેટમાં આદુનો ભાવ 450 રૂપિયા પ્રતિ કિલો થયો છે અને સાથે કોથમીર-મેથીનો ભાવ 150થી 250 પ્રતિ કિલો થયો છે. માર્કેટમાં આદુની આવક ઘટવાના કારણે ભાવમાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે. આદુ કર્ણાટક અને મહારાષ્ટ્રથી આવે છે. ટામેટા બાદ કોથમીર, આદુ અને મેથીના ભાવ આસમાને પહોંચ્યા છે અને તેથી ગૃહિણીઓની મુશ્કેલીઓ વધી છે.
શાકભાજીના વધતા ભાવ પાછળ વાવાઝોડા અને વરસાદને કારણભૂત માનવામાં આવે છે. વાવાઝોડા અનવ વરસાદના કારણે ખેતરોમાં પાક ધોવાઈ જવાથી ટામેટાં, આદુ, ભાજી સહિતના લીલા શાકની આવક ઘટી છે પરિણામે તેલ, ટામેટાં બાદ હવે લીલા શાકભાજીના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે.